ચેન્નાઈના નીલાંકારાઈ વિસ્તારમાં આવેલી કપાલીશ્વર નગર સોસાયટીમાં ગુરુવારના રોજ એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં મુખ્યમંત્રી વિજયના નિવાસસ્થાનની પાછળના ભાગે ફોર્થ મેઈન રોડ પરથી એક નવજાત બાળકી લાવારસ હાલતમાં મળી આવી હતી. વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા સ્થાનિક રહેવાસીઓને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાતા તેમણે તપાસ કરી હતી, જ્યાં નાળ સાથે જોડાયેલી એક માસૂમ બાળકી રોડની બાજુમાં બેવાથક પડેલી જોવા મળી હતી. આ બાબતની જાણ તુરંત જ પોલીસને કરવામાં આવતા નીલાંકારાઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે બાળકીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને પ્રથમ ખાનગી હોસ્પિટલ અને બાદમાં એગ્મોર સ્થિત સરકારી બાળ રોગ સંસ્થાનમાં ખસેડી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીલાંકારાઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સઘન ચકાસણી હાથ ધરી હતી, જેના આધારે થોડા જ સમયમાં બાળકીને તજી દેનાર મહિલાની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ૩૪ વર્ષીય મહિલા ભૂતપૂર્વ ફ્લાઇટ અટેન્ડન્ટ છે અને તે જ પડોશમાં રહે છે. તેણે પોતાના જ ઘરમાં બે દિવસ પહેલા આ બાળકીને જન્મ આપ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મહિલાના માતા-પિતાએ નવજાત શિશુને સ્વીકારવાની સાફ ના પાડી દીધી હતી, જેના કારણે ગભરાયેલી અને માનસિક તાણ અનુભવી રહેલી આ યુવતીએ પહેલા બાળકીને સ્મશાનમાં છોડી દેવાનો વિચાર કર્યો હતો અને અંતે તેને રસ્તા પર લાવારસ હાલતમાં મૂકીને નાસી છૂટી હતી.
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મહિલાની અટકાયત કરી છે અને તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વિશેષ કાઉન્સેલિંગ માટે મોકલી આપી છે તેમજ તેના માતા-પિતાની પણ પૂછપરછ શરૂ કરી છે. હાલમાં નવજાત બાળકીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની યોગ્ય સારવાર ચાલી રહી છે. બાળ કલ્યાણ સમિતિ (CWC) દ્વારા એક અનાથાશ્રમના માધ્યમથી આ માસૂમ બાળકીના ભરણપોષણ અને દેખરેખની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત બની શકે.
