JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

સલમાન ખાન અને સેલિબ્રિટીઝને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈનો સાથી હરિ બોક્સર અમેરિકામાં ઝડપાયો

Nov 07, 2026 | 14:53 | By JAMNAGAR MIRROR
સલમાન ખાન અને સેલિબ્રિટીઝને ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઈનો સાથી હરિ બોક્સર અમેરિકામાં ઝડપાયો
બોલિવૂડ સ્ટાર્સને ધમકીઓ આપવા અને કેનેડામાં ફાયરિંગ કરાવવા બદલ વોન્ટેડ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હરિ બોક્સરની કેલિફોર્નિયાથી અટકાયત કરવામાં આવી છે. દિલ્હી અને હરિયાણા પોલીસની બાતમીના આધારે અમેરિકન એજન્સીઓએ આ મોટી કાર્યવાહી કરી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય ઓપરેટિવ અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હરિચંદ જાટ ઉર્ફે હરિ બોક્સરને ગઈકાલે રાત્રે યુએસ ઓથોરિટી દ્વારા કેલિફોર્નિયામાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા આપવામાં ચોક્કસ ઇનપુટ્સના આધારે આ સફળતા મળી છે. મુંબઈમાં બોલિવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર થયેલા ગોળીબારની ઘટના બાદથી જ ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ બોક્સરની હિલચાલ પર સતત નજર રાખી રહી હતી. હવે ભારતીય સુરક્ષા એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના માધ્યમથી આ કુખ્યાત ગેંગસ્ટરને ભારત પરત લાવવાની કાયદેસરની પ્રક્રિયા જલ્દી જ શરૂ કરશે તેવી અપેક્ષા છે.

મૂળ રાજસ્થાનનો રહેવાસી હરિ બોક્સર વિદેશમાં બેસીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ખંડણીનું મોટું નેટવર્ક ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તેણે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સંબંધો હોવાના કારણે રોહિત શેટ્ટી, તુષાર કપૂર અને રણવીર સિંહ જેવી સેલિબ્રિટીઝને જીવથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત, તેણે કેનેડામાં અભિનેતા-કોમેડિયન કપિલ શર્માના કાફે પર થયેલા ગોળીબારનું પણ આયોજન કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘર બહાર થયેલા ફાયરિંગની જવાબદારી પણ સ્વીકારી હતી. ગત મહિને અભિનેતા ટાઇગર શ્રોફને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા ગોળીબારની ઘટનામાં પણ હથિયારો પૂરા પાડનાર નેટવર્ક સાથે તેનું નામ જોડાયેલું હતું.

જયપુરમાં રોકાણ દરમિયાન બોક્સિંગ શીખવાના કારણે તેને 'હરિ બોક્સર' ઉપનામ મળ્યું હતું. શરૂઆતમાં નાની-મોટી લડાઈઓથી અપરાધ જગતમાં પગ મૂકનારો આ શખ્સ ટૂંક સમયમાં જ લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ગયો હતો. જયપુર, અલવર, સિકર, ધોલપુર અને કરૌલી સહિત રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં તેની સામે દસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તે વર્ષ ૨૦૨૨માં ભારતથી ભાગીને અમેરિકા પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત મહિને જ અનેક હત્યાઓ અને સંગઠિત અપરાધોમાં ભારતમાં વોન્ટેડ એવા અન્ય ગેંગસ્ટરો હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાની પણ અમેરિકાથી ધરપકડ કરવામાં આવી હતી.

LATEST ARTICLES