JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

લગ્નની વાત કરવાના બહાને ગોકાક વોટરફોલ લઈ જઈને એસએસબી જવાન પ્રેમીએ કરી યુવતીની હત્યા

Nov 07, 2026 | 14:52 | By JAMNAGAR MIRROR
લગ્નની વાત કરવાના બહાને ગોકાક વોટરફોલ લઈ જઈને એસએસબી જવાન પ્રેમીએ કરી યુવતીની હત્યા
કર્ણાટકના બેલાગવીમાં ચાર વર્ષના પ્રેમસંબંધ બાદ લગ્નનું વચન પાળવાને બદલે એસએસબીના જવાન પ્રેમીએ ગર્લફ્રેન્ડની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીએ મૃતદેહને ઝાડીઓમાં ફેંકી દીધો હતો અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આ જધન્ય હત્યાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

બેલાગવી જિલ્લાના ગોકાક વોટરફોલ ખાતે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક ૨૩ વર્ષીય રક્ષિતા સરિકાર અને આરોપી ૨૯ વર્ષીય બસપ્પા સતાન્નવર છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધમાં હતા. બસપ્પા બિહારમાં સશસ્ત્ર સીમા બલ (SSB)ની ૨૧મી બટાલિયનમા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રક્ષિતા છેલ્લા ચાર વર્ષથી બસપ્પા પાસે લગ્નનું વચન પૂરું કરવાની સતત માંગણી કરી રહી હતી, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને વિવાદો થતા હતા. આ જ અંગત અદાવત અને વિવાદનો અંત લાવવા માટે બસપ્પાએ એક ક્રૂર ખેલ રચ્યો હતો.

ગત ૨૮ ઓક્ટોબરના રોજ આરોપી બસપ્પાએ રક્ષિતાને ભવિષ્ય અને લગ્ન અંગે ચર્ચા કરવાના બહાને જાણીતા પ્રવાસન સ્થળ ગોકાક વોટરફોલ ખાતે બોલાવી હતી. મુલાકાત દરમિયાન બંને વચ્ચે લગ્નના મુદ્દે ફરીથી તીખી બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને નિર્દયી પ્રેમીએ રક્ષિતા પર હુમલો કર્યો, તેના કાન પર પ્રહાર કર્યો અને ત્યારબાદ ગળું દબાવીને તેની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. કોઈને શંકા ન જાય તે માટે તેણે રક્ષિતાના નિશ્ચેતન શરીરને વોટરફોલની નજીક આવેલા એક ડુંગરાળ વિસ્તારની ઝાડીઓમાં ફેંકી દીધું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જ્યારે રક્ષિતા લાંબા સમય સુધી ઘરે પરત ન ફરી, ત્યારે ચિંતાતુર પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને આખરે ૧ નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તકનીકી અને માનવીય ગુપ્ત માહિતીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેના તાર સીધા જ એસએસબી જવાન બસપ્પા તરફ વળ્યા. પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

LATEST ARTICLES