ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલે મંગળવારે એક બ્લોગ પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના એકાઉન્ટ્સ માટે જેમિની (Gemini), જેમિની નોટબુક, ક્લાસરૂમમાં જેમિની અને સર્ચ જેવા AI ટૂલ્સ બાય ડિફોલ્ટ બંધ રાખવામાં આવશે. અમેરિકાથી શરૂ થનારા આ નવા નિયંત્રણો ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવશે, જો કે કંપનીએ હજુ સુધી તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી. વર્ગખંડોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શૈક્ષણિક સંસ્થાઓમાં હજુ ચર્ચા ચાલી રહી છે અને કેટલાકશહેરો દ્વારા AI પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ગૂગલે આ પગલું ભર્યું છે.
ગૂગલની આ સેવાઓ અમેરિકન શાળાઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, જેમાં જીમેલ, ડોક્સ અને ક્રોમબુક લેપટોપનો સમાવેશ થાય છે. તાજેતરમાં સેનેટર્સ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વભરમાં ૧૫૦ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કરે છે, અને અગાઉ વિદ્યાર્થીઓ માટે AI ફીચર્સ આપમેળે શરૂ કરી દેવાયા હતા જેના પર ટીકાઓ થઈ હતી. ગૂગલના શિક્ષણ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ ફિલિપ્સે સ્પષ્ટ કર્યું છે કે સર્ચ અને AI હવે એકબીજામાં ઊંડાણપૂર્વક જોડાયેલા છે. જો કોઈ શાળા AI પર પ્રતિબંધ મૂકશે, તો વિદ્યાર્થીઓને ગૂગલ સર્ચની સુવિધા પણ નહીં મળે અને સ્કૂલ દ્વારા તે ઉપલબ્ધ નથી તેવો સંદેશ જોવા મળશે.
ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા શૈક્ષણિક જિલ્લાઓએ પહેલાથી જ શાળાઓમાં AI પર પ્રતિબંધ કે નિયંત્રણો મૂકવાની યોજનાઓ બનાવી છે. ન્યૂયોર્ક સિટી પબ્લિક સ્કૂલ્સે તો ગૂગલ પાસે સર્ચ પરિણામોમાં આવતા 'AI ઓવરવ્યુ'ને પણ બંધ કરવાની માંગણી કરી હતી. ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ આલોચના કરતા જણાવ્યું હતું કે કોઈ પણ કોર્પોરેશનને બાળકોના શિક્ષણની પદ્ધતિ નક્કી કરવાની સત્તા હોવી જોઈએ નહીં. બીજી તરફ, ગૂગલનો દાવો છે કે આ ફેરફારો શાળાઓને વધુ નિયંત્રણ અને પસંદગીનો અધિકાર આપે છે, કારણ કે શાળાઓ વિદ્યાર્થીઓ દ્વારા AI નો દુરુપયોગ અટકાવવા માટે નિયંત્રણ ઈચ્છતી હતી.
