JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુગલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એઆઈ અને સર્ચ સુવિધા બાય ડિફોલ્ટ બંધ કરશે

Nov 05, 2026 | 14:09 | By JAMNAGAR MIRROR
ગુગલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એઆઈ અને સર્ચ સુવિધા બાય ડિફોલ્ટ બંધ કરશે
વર્ગખંડોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુગલે મોટો નિર્ણય લીધો છે. હવે શાળાના વિદ્યાર્થીઓ માટે AI ટૂલ્સ અને સર્ચ ઓપ્શન બાય ડિફોલ્ટ બંધ રહેશે અને શાળાઓ ઈચ્છે તો જ તેને ચાલુ કરી શકશે.

અમેરિકા સહિત સમગ્ર વિશ્વની શાળાઓમાં ટેકનોલોજી ક્ષેત્રે વર્ચસ્વ ધરાવતી અગ્રણી કંપની ગુગલે તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શાળાકીય સ્તરે વિદ્યાર્થીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અનિયંત્રિત ઉપયોગ સામે ઉઠેલા સવાલો અને ટીકાઓને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું છે. ગુગલના જણાવ્યા અનુસાર, K-12 (પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક) સ્તરના વિદ્યાર્થીઓના એકાઉન્ટ માટે 'જેમિની' (Gemini), 'જેમિની નોટબુક', ક્લાસરૂમમાં ઉપલબ્ધ એઆઈ ફીચર્સ અને સર્ચ ટૂલ્સ બાય ડિફોલ્ટ બંધ રાખવામાં આવશે. આ નિયંત્રણો સૌપ્રથમ અમેરિકાથી શરૂ કરીને તબક્કાવાર સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવશે, જોકે તેની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ નવા ફેરફાર મુજબ, શાળાઓ જ્યાં સુધી સત્તાવાર રીતે આ સુવિધાઓને મેન્યુઅલી ઓન નહીં કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ગુગલના એજ્યુકેશન વાઈસ પ્રેસિડેન્ટ ક્રિસ ફિલિપ્સે સ્પષ્ટ કર્યું છે કે આજના સમયમાં સર્ચ અને એઆઈ એટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે કે જો કોઈ શાળા એઆઈ પર પ્રતિબંધ મૂકશે, તો વિદ્યાર્થીઓ ગુગલ સર્ચનો પણ ઉપયોગ નહીં કરી શકે અને સ્ક્રીન પર શાળા દ્વારા નિર્ધારિત પ્રતિબંધનો સંદેશ દેખાશે. અગાઉ, અમેરિકાના કેટલાક સેનેટરો અને અગ્રણી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ગુગલ પોતાની મોનોપોલીનો ઉપયોગ કરીને શાળાઓમાં બળજબરીથી એઆઈ થોપી રહ્યું છે, જેના કારણે શિક્ષણ પ્રણાલી પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વભરમાં ૧૫ કરોડથી વધુ વિદ્યાર્થીઓ ગુગલ ક્લાસરૂમનો ઉપયોગ કરે છે, અને તાજેતરમાં ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા શૈક્ષણિક જિલ્લાઓએ સ્કૂલના ઉપકરણો પર એઆઈ ટૂલ્સના ઉપયોગ પર મર્યાદાઓ મૂકવાની જાહેરાત કરી હતી. આ વિરોધ અને ચિંતાઓને ધ્યાનમાં લઈને ગુગલે બચાવ કર્યો છે કે આ નવો નિર્ણય શાળાઓને મર્યાદિત કરવાને બદલે તેમને વધુ નિયંત્રણ અને પસંદગીનો અધિકાર આપે છે. શાળાઓ અને શિક્ષકોની ચિંતા હતી કે વિદ્યાર્થીઓ હોમવર્ક કે અભ્યાસમાં શોર્ટકટ લેવા માટે એઆઈનોુર ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ પગલાથી શૈક્ષણિક સંસ્થાઓ પોતાની જરૂરિયાત મુજબ ટેકનોલોજીનો ઉપયોગ નક્કી કરી શકશે.

LATEST ARTICLES