વૈશ્વિક સ્તરે એરલાઇન ઉદ્યોગને મોટો આંચકો આપતા, સિંગાપોર એરલાઇન્સે મંગળવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની રિઝર્વેશન સિસ્ટમ પૂરી પાડતી કંપની 'એમાડેિયસ'માં સર્જાયેલી સાયબર સુરક્ષાની ખામીને કારણે અંદાજે ૪૬,૦૦૦ જેટલા બુકિંગ રેકોર્ડ્સ પ્રભાવિત થયા છે. આ સુરક્ષા ભંગનો ભોગ બનનાર સિંગાપોર એરલાઈન્સ એકમાત્ર નથી, પરંતુ કેથે પેસિફિક એરવેઝ, જાપાન એરલાઈન્સ, સાઉથ કોરિયાની એસિયાના એરલાઈન્સ અને મલેશિયા એરલાઈન્સ જેવી અગ્રણી આંતરરાષ્ટ્રીય વિમાન કંપનીઓ પણ આ ગ્લોબલ ડેટા લીકનો ભોગ બની ચૂકી છે, જેનાથી ઉડ્ડયન ક્ષેત્રે ડેટા સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા થયા છે.
આ સાયબર ઘટનામાં લીક થયેલી માહિતીની વિગતો આપતાં કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત થયેલા ડેટામાં ગ્રાહકોના નામ, બુકિંગ રેફરન્સ નંબર્સ, મુસાફરીના આઈટિનરી અને બુકિંગ ક્લાસ જેવી સંવેદનશીલ વિગતો સામેલ છે. એટલું જ નહીં, આશરે ૬૨૦ જેટલા બુકિંગ રેકોર્ડ્સ માટે ઈમેલ એડ્રેસ, ફોન નંબર, ટ્રાવેલ ડોક્યુમેન્ટની માહિતી અને ક્રિસફ્લાયર (KrisFlyer) મેમ્બરશિપ નંબર્સ સુધી પણ અનધિકૃત પહોંચ થઈ હોવાની શક્યતા છે. જો કે, રાહતની વાત એ છે કે એમાડેિયસ કંપનીએ પુષ્ટિ કરી છે કે ગ્રાહકોના બેંક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઈ નથી અને કોઈ પણ બુકિંગ સાથે છેડછાડ કે ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સાયબર ઘટના બાદ સિંગાપોર એરલાઈન્સે સ્પષ્ટ કર્યું છે કે એરલાઈન્સની પોતાની આંતરિક આઈ.ટી. સિસ્ટમ્સ સુરક્ષિત છે અને તેમાં કોઈ ગાબડું પડ્યું નથી. તેમ છતાં, ગ્રાહકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કંપની આગામી મુસાફરીનું આયોજન કરનાર પ્રભાવિત મુસાફરોના બુકિંગ રેફરન્સ નંબર્સ બદલવા માટે તેમનો વ્યક્તિગત સંપર્ક કરી રહી છે. બીજી તરફ, એમાડેિયસ દ્વારા ટ્રાવેલ બુકિંગ ડિસ્પ્લે એન્વાયર્નમેન્ટને અસર કરતી નબળાઈ (vulnerability) અંગે સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ આ સાયબર ભંગથી વૈશ્વિક સ્તરે કુલ કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ આંકડો બહાર આવ્યો નથી.
