ચેન્નાઈ સ્થિત મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝના એસોસિયેટ પ્રોફેસર એ. કલૈયાહસનની ખોટા સોશિયલ મીડિયા પોસ્ટ કેસમાં થયેલી ગેરકાયદેસર અટકાયતના ચાર દિવસ બાદ મદ્રાસ હાઈકોર્ટે આ મામલે ખૂબ જ ગંભીર અવલોકનો કર્યા છે. જસ્ટિસ એન. રમેશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગમે તેટલા ઊંચા સ્ત્રોતમાંથી આવેલી માફી એ કોઈ જવાબદારી નથી અને જે ઉકેલ મુખ્યમંત્રીના વ્યક્તિગત હસ્તક્ષેપ પર નિર્ભર હોય, તે વાસ્તવમાં કોઈ ઉકેલ જ નથી. અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે તે પ્રોફેસરની પ્રતિષ્ઠા અને પહોંચના કારણે તેઓ કલાકોમાં મુક્ત થઈ ગયા અને સચિવાલય સુધી પહોંચ્યા, પરંતુ સત્તા સુધી પહોંચ ન ધરાવતા કોઈ સામાન્ય નાગરિકની આવી જ ભૂલભરેલી ફરિયાદના આધારે અટકાયત થઈ હોત તો તેને જેલના સલાખાઓ પાછળ ધકેલાઈને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હોત.
અદાલતે પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા ઉમેર્યું હતું કે પોલીસ દળનું સાચું માપદંડ એ નથી કે જ્યારે મીડિયાનું ધ્યાન હોય ત્યારે તે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરે છે, પરંતુ એ છે કે જ્યારે કોઈ સાક્ષી ન હોય ત્યારે તે સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરે છે. રાજકીય વાણી સ્વાતંત્ર્યના મુદ્દાને આ જ માપદંડ પર પારખવો જોઈએ તેમ કોર્ટે જણાવ્યું હતું. ડીએમકે કાઉન્સિલર ડી. સુધા દ્વારા મુખ્યમંત્રી વિરુદ્ધ કથિત અપશબ્દો બોલવાના કેસમાં આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. કાઉન્સિલરને રાહત આપતી વખતે કોર્ટે ટાંક્યું હતું કે જે સરકાર પોતાની જાતમાં આત્મવિશ્વાસ ધરાવતી હોય તે હંમેશાં ટીકાનો જવાબ તર્કથી, મજાકનો જવાબ પ્રદર્શનથી અને જો ખરેખર મર્યાદા ઓળંગાય તો માનહાનિના કાયદાકીય માધ્યમોથી આપે છે.
રાજકીય ભાષણ અને વાણી સ્વાતંત્ર્ય અંગે કડક વલણ અપનાવતા અદાલતે જણાવ્યું હતું કે રાજકીય ટીકાઓ પ્રત્યે ઉદારતા દાખવવી એ રાજ્ય સરકારની કોઈ એવી કૃપા નથી જેને તે ઈચ્છે ત્યારે આપી શકે કે અટકાવી શકે, પરંતુ તે બંધારણની અનિવાર્ય અપેક્ષા છે. કાઉન્સિલરના કથિત અપશબ્દો અંગે કોર્ટે ટિપ્પણી કરી હતી કે તમિલનાડુમાં ઓરેટરી (વક્તૃત્વ)ની એક સમૃદ્ધ પરંપરા રહી છે, જ્યાં નેતાઓ ભાષાની મર્યાદા જાળવીને પણ પ્રભાવી વાણી રજૂ કરી શકે છે અને લોકપ્રતિનિધિઓએ આ મર્યાદાનું પાલન કરવું જ જોઈએ. કાઉન્સિલરના પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાઓએ ઘટનાસ્થળે તેમને આ વાત સમજાવી હતી અને કાઉન્સિલરે પણ અદાલતમાં જતા પહેલાં જ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, જેને અદાલતે ધ્યાનમાં લીધી હતી.
