ઘટનાની વિગતો મુજબ, ચેન્નઈના એક યુવાન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટે વર્ષ 2025માં થયેલા એક અકસ્માતમાં પોતાના જમણા હાથની બે આંગળીઓ ગુમાવી દીધી હતી. આ શારીરિક ખોટ સામે થોડી રાહત અને રોજિંદા કામોમાં સરળતા રહે તે હેતુસર તેણે કસ્ટમાઇઝ્ડ આર્ટિફિશિયલ ફિંગર પ્રોસ્થેસિસ (કૃત્રિમ આંગળી) બનાવતી એક કંપનીનો સંપર્ક કર્યો હતો. આ માટે ગત 23 જૂન 2025ના રોજ તેણે કંપનીને રૂ. 20,000 ની માતબર રકમ પણ ચૂકવી આપી હતી. કંપની દ્વારા તેને ખાતરી આપવામાં આવી હતી કે માત્ર 45 દિવસની અંદર યોગ્ય સાઈઝ, મનપસંદ રંગ અને થમ્બ ઈમ્પ્રેશન (અંગૂઠાની છાપ) સાથેની આંગળી તૈયાર કરીને પહોંચાડી દેવામાં આવશે. પરંતુ કંપનીએ પોતાના વાયદા મુજબ સમયસર પ્રોસ્થેસિસ ડિલિવર ન કર્યું અને ફોનકોલ્સનો જવાબ આપવાનું પણ ટાળવા લાગી હતી.
આખરે કંટાળીને યુવાને 5 સપ્ટેમ્બર 2025ના રોજ જાતે ચેન્નઈ જઈને પ્રોસ્થેસિસ મેળવ્યું હતું, પરંતુ તે તેની અપેક્ષાઓ અને આપેલી વિશિષ્ટતાઓથી તદ્દન વિપરીત હતું. જે પ્રોસ્થેસિસ આપવામાં આવ્યું તેની સાઈઝ અને રંગ ખોટા હતા તેમજ તેમાં વાયદા મુજબનું થમ્બ ઈમ્પ્રેશન પણ નહોતું, જેને કારણે તે સંપૂર્ણપણે બિનઉપયોગી સાબિત થયું. આ અંગે જ્યારે યુવાને કંપની સમક્ષ રજૂઆત કરી અને રિપ્લેસમેન્ટ કે રિફંડની માંગણી કરી, ત્યારે કંપનીના સંચાલકોએ કોઈ પણ પ્રકારનો સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો. આ બધી અડચણોને કારણે યુવાન સમયસર પોતાની પરીક્ષાઓમાં પણ હાજર રહી શક્યો ન હતો, જેનાથી તેની કારકિર્દી પર પણ વિપરીત અસર પડી હતી. કંપની દ્વારા કાનૂની નોટિસનો પણ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી પીડિત યુવાને પુડુકોટ્ટાઈ જિલ્લા ગ્રાહક આયોગના દરવાજા ખખડાવ્યા હતા.
આ મામલે ગ્રાહક આયોગના પ્રમુખ ટી. સેકર અને સભ્ય એસ. સુગુણાદેવીની પીઠે કંપનીની ગેરરીતિ અને સેવામાં રહેલી ખામીને ગંભીરતાથી નોંધી હતી. આયોગ સમક્ષ કંપની તરફથી કોઈ પણ વ્યક્તિ હાજર રહી ન હતી કે ન તો કોઈ સ્પષ્ટતા રજૂ કરવામાં આવી હતી, જેના કારણે આયોગે યુવાન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓના આધારે જ ચુકાદો આપ્યો હતો. ગ્રાહક આયોગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગ્રાહક પાસેથી પૈસા લીધા પછી ખોટી બનાવટની ચીજવસ્તુ આપવી અને ત્યારબાદ ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ ન લાવવું એ અયોગ્ય વેપાર પ્રથા (અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ) છે. આયોગે કંપનીને આદેશ આપ્યો છે કે તે પ્રોસ્થેસિસની અસલ કિંમત રૂ. 20,000 પરત કરે, સાથે જ સેવામાં બેદરકારી અને માનસિક ત્રાસ બદલ રૂ. 10,000 તથા કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધુ રૂ. 10,000 મળીને કુલ રૂ. 40,000 નું રાહત પેકેજ પીડિત યુવાનને ચૂકવે.
