ચેન્નઈના એક યુવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટે અકસ્માતમાં પોતાના જમણા હાથની બે આંગળીઓ ગુમાવ્યા બાદ સામાન્ય જીવન તરફ પરત ફરવા માટે એક કસ્ટમાઇઝ્ડ આર્ટિફિશિયલ આંગળી (કૃત્રિમ પ્રોસ્થેસિસ) બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ હેતુસર તેણે ગત 23 જૂન 2025ના રોજ એક કંપનીનો સંપર્ક કર્યો અને રૂ. 20,000 ચૂકવીને પરફેક્ટ સાઈઝ, કલર અને થંબ ઇમ્પ્રેશનવાળી આંગળીનો ઓર્ડર આપ્યો હતો. કંપનીએ આ પ્રોડક્ટ 45 દિવસમાં ડિલિવર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં કંપનીએ માત્ર ડિલિવરીમાં જ વિલંબ ન કર્યો પરંતુ ગ્રાહકના ફોન કોલ્સના પણ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.
પરિસ્થિતિથી કંટાળીને યુવકે 5 સપ્ટેમ્બર 2025ના રોજ જાતે ચેન્નઈ પ્રવાસ કરીને કંપની પાસેથી પ્રોસ્થેસિસ મેળવ્યું હતું, પરંતુ હાથમાં આવેલી પ્રોડક્ટ જોઈને તેને મોટો આંચકો લાગ્યો હતો. કંપનીએ જે આંગળી આપી હતી તે ખોટા કદ અને રંગની હતી અને તેમાં વાયદા મુજબનું થંબ ઇમ્પ્રેશન પણ નહોતું, જેના કારણે તે સંપૂર્ણપણે ઉપયોગી વગરની સાબિત થઈ હતી. આ નકામી પ્રોડક્ટ બદલવા અથવા નાણાં પરત મેળવવા માટે યુવકે કંપનીનો અનેકવાર સંપર્ક કર્યો, પરંતુ કંપનીના કર્મચારીઓએ તેની વાત સાંભળવાનું ટાળ્યું હતું. આ ગંભીર બેદરકારીના કારણે યુવક પોતાની પરીક્ષાઓ પણ યોગ્ય રીતે આપી શક્યો નહીં અને તેને માનસિક તાણનો સામનો કરવો પડ્યો હતો.
આ આચરવામાં આવેલી છેતરપિંડી અને અયોગ્ય વ્યાપારી પ્રથા સામે લડવા માટે પીડિત યુવકે પુડુકોટ્ટાઈ જિલ્લા ગ્રાહક આયોગના દરવાજા ખખડાવ્યા હતા. કાનૂની નોટિસ મોકલવા છતાં કંપની તરફથી કોઈ જવાબ કે પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો, જેથી આયોગના પ્રમુખ ટી. સેકર અને સભ્ય એસ. સુગુનાદેવીએ ઉપલબ્ધ પુરાવાઓના આધારે કડક ચુકાદો આપ્યો હતો. ગ્રાહક આયોગે કંપનીને સેવામાં ક્ષતિ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ માટે દોષિત ઠેરવતા આદેશ કર્યો છે કે કંપનીએ યુવકના રૂ. 20,000 તાત્કાલિક પરત કરવા પડશે. આ સાથે જ માનસિક ત્રાસ અને સેવાઓમાં નિષ્ફળતા બદલ રૂ. 10,000 તેમજ કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધુ રૂ. 10,000 મળીને કુલ રૂ. 40,000 નું રાહત પેકેજ ગ્રાહકને ચૂકવવું પડશે.
