અમદાવાદ ખાતે આયોજિત પ્રભાવી અને રોમાંચક પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬ના અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષ વર્ગની અત્યંત રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે ૫૪-૨૦ના મોટા અંતરથી શાનદાર વિજય મેળવીને પ્રથમ કોમનવેલ્થ પુરુષ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ પહેલાં રમાયેલા મહિલા વર્ગના ફાઇનલ મુકાબલામાં પણ ભારતીય મહિલાઓએ યુગાન્ડાને ૩૫-૧૫થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ બંને ઐતિહાસિક જીત સાથે નવ દિવસ સુધી ચાલેલી આ વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું અભિયાન સંપૂર્ણપણે અજેય રહ્યું હતું અને બંને ટીમોએ ટૂર્નામેન્ટની તમામ મેચોમાં વિજયી પરચમ લહેરાવ્યો હતો.
પુરુષોની ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ દરેક ક્ષેત્રે શ્રીલંકાની ટીમને સંપૂર્ણપણે પછાડી દીધી હતી. આદિત્ય શિંદેએ ૧૪ રેડમાંથી ૧૦ પોઈન્ટ મેળવીને સુપર ૧૦ પર્ફોર્મન્સ આપ્યું હતું, જ્યારે ભરત હુડ્ડાએ બીજાાર્ધમાં શાનદાર રમત દાખવીને ૮ પોઈન્ટ મેળવ્યા હતા. રક્ષણાત્મક વિભાગમાં યોગેશ દહિયાએ અદ્ભુત ટેકલ કરીને 'હાઇ ૫' હાંસલ કર્યો હતો અને પોતાની તમામ પાંચ ટેકલ પ્રયાસો સફળ બનાવ્યા હતા. ભારતીય પુરુષ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની આક્રમક રમત જાળવી રાખી હતી અને ગ્રૂપ સ્ટેજથી લઈને સેમિફાઇનલ સુધી બાંગ્લાદેશ સામે ૫૬-૨૭7 થી ભવ્ય વિજય મેળવ્યા બાદ ફાઇનલમાં પણ શ્રીલંકાને કોઈ તક આપી ન હતી. આ સમગ્ર સ્પર્ધામાં ભારતે કુલ ૩૮૦ પોઈન્ટ બનાવ્યા હતા અને સામે પક્ષે વિરોધી ટીમોને પોતાના પર હાવી થવા દીધી ન હતી.
મહિલા વર્ગની ફાઇનલમાં પણ ભારતીય ટીમે યુગાન્ડા સામે શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવીને ૩૫-૧૫થી પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો. સાક્ષીએ શાનદાર રમત પ્રદર્શિત કરતા ૧૦ રેડમાં ૯ પોઈન્ટ મેળવ્યા હતા, જેમાં પ્રથમાર્ધમાં જ તેના સાત પોઈન્ટ સામેલ હતા. કેપ્ટન નિધિ શર્મા અને અનુએ પણ રેડિંગમાં ઉત્તમ સાથ આપ્યો હતો, જ્યારે ઋતુ અને સુમને ડિફેન્સમાં મજબૂત પકડ જમાવીને ચાર-ચાર ટેકલ પોઈન્ટ મેળવ્યા હતા. યુગાન્ડા તરફથી નકાયોંગો શિરાતે એકલાએ સંઘર્ષ કરતા ૧૧ પોઈન્ટ મેળવ્યા હોવા છતાં ભારતીય ટીમની આક્રમક અને શિસ્તબદ્ધ રમત સામે તેઓ ટકી શક્યા ન હતા. સમગ્ર ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમોનું આ અજેય પ્રદર્શન દેશના કબડ્ડી ઇતિહાસમાં એક સીમાચિહ્ન સમાન બની ગયું છે.
