અદાણી યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ગર્વ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો, જેમાં વર્ષ ૨૦૨૬ની બેચના કુલ ૩૭૪ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારોહમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન કરનાર દસ વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ અદાણીએ આ સમારોહની અધ્યક્ષતા કરી હતી અને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) ના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ડૉ. પ્રીતિ અદાણીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રો. રંગરાજનનું શૈક્ષણિક નેતૃત્વ અને ગણિત ક્ષેત્રનું પ્રદાન વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન છે. તેમણે ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે વાસ્તવિક દુનિયાના પડકારો વિદ્યાર્થીઓ અને સંશોધકોને એવા પ્રશ્નો પૂછવા પ્રેરે છે, જેનો ઉકેલ એકલા ઉદ્યોગ કે શિક્ષણ સંસ્થાઓ શોધી શકતા નથી.
મુખ્ય અતિથિ પ્રો. ગોવિંદન રંગરાજાને પોતાના સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે વધતા વ્યાપ અને તેના પ્રભાવ વિશે ગહન ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે AI આપણને અત્યંત જટિલ સમસ્યાઓ ઉકેલવામાં અને વૈજ્ઞાનિક શોધખોળને વેગ આપવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે, પરંતુ તેની સાથે તેના પરિણામો પ્રત્યે પણ આપણે અત્યંત સજાગ રહેવું પડશે. આજની ટેક્નોલોજીના યુગમાં જ્યારે અતિ-વાસ્તવિક દેખાતા ફોટા, વિડિયો અને માહિતી ખૂબ જ સરળતાથી જનરેટ થઈ રહ્યા છે, ત્યારે અસલ અને નકલી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બન્યો છે. પ્રો. રંગરાજાને ચિંતા વ્યક્ત કરી હતી કે ડિજિટલ માધ્યમો આપણને નજીક લાવી રહ્યા છે, પરંતુ શું આપણે માનવ સંબંધોમાં એકબીજાથી વધુ દૂર જઈ રહ્યા છીએ? તેમણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા કે ટેક્નોલોજીના ફાયદા અપનાવવાની સાથે તેનાથી માનવ સમાજને થનાર સંભવિત નુકસાન અંગે પણ ગંભીરતાથી વિચારવું અનિવાર્ય છે.
સમારોહ દરમિયાન યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પુજારાએ વાર્ષિક અહેવાલ રજૂ કરતા ફેકલ્ટી, સ્ટાફ અને ઉદ્યોગ જગતના ભાગીદારોના યોગદાનને બિરદાવ્યું હતું અને શૈક્ષણિક તથા સંશોધન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીએ ભારતની પ્રચંડ આંતરમાળખાકીય પ્રગતિનો ઉલ્લેખ કરીને યુવાનોને આહ્વાન કર્યું હતું કે હવે આપણે મોટા પાયે ઇનોવેશન અને ઇન્ક્યુબેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી તેનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી શકે. વર્ષ ૨૦૨૨માં સ્થપાયેલી અદાણી યુનિવર્સિટી ઉદ્યોગ-સંલગ્ન શિક્ષણ, પ્રાયોગિક જ્ઞાન અને સંશોધન પર વિશેષ ભાર મૂકે છે. આગામી સમયમાં આ સંસ્થાને એક બહુવિષયક સંશોધન કેન્દ્ર તરીકે વિકસાવીને દેશના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનું લાંબાગાળાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
