ઘટનાની વિગતો મુજબ, શનિવારના વહેલી સવારે કૃષ્ણગિરીના નવા બસ સ્ટેન્ડ પર નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમની નજરે ચાર શંકાસ્પદ યુવકો ચઢ્યા હતા. આ યુવકોએ કાળા રંગના કપડા પહેર્યા હતા અને તેમની પાસે મોટી બેગો હતી, જેણે પોલીસના મનમાં શંકા જગાવી હતી. પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને તેમની સઘન પૂછપરછ અને તલાશી લેવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓની ઓળખ કે. શિંગારાવેલન, એમ. કલ્કી, જી. ઇલમપરુથિ અને એસ. વિમલ તરીકે થઈ છે, જેમાંના બે યુવકો કોલેજમાં અભ્યાસ કરે છે જ્યારે અન્ય બે ભાડાના વાહનોના ડ્રાઇવર તરીકે કામ કરે છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવકોએ લૂંટ ચલાવવાની અનોખી અને ચોંકાવનારી મોડેસ ઓપરેન્ડી તૈયાર કરી હતી. તેઓ ઓનલાઈન વીડિયો જોઈને લૂંટ કરવાની અને પોલીસ પકડથી બચવાની યુક્તિઓ શીખ્યા હતા. સીસીટીવી કેમેરાને અંધારૂ કરવા માટે બ્લેક સ્પ્રે પેઇન્ટ, ફિંગરપ્રિન્ટ્સ છુપાવવા માટે મોજા, ઓળખ છુપાવવા માટે માસ્ક તેમજ જો કોઈ અડચણરૂપ બને તો તેને બેભાન કરવા માટે સિરીંજ અને શામક દવાઓનો (સેડેટીવ્સ) ઉપયોગ કરવાનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, પોલીસ કે તપાસથી બચવા માટે તેઓ ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં ફરીને લક્ષ્ય નક્કી કરવાના હતા, અને અગાઉ તેમણે હોસુરના મૂકાંડપલ્લી વિસ્તારમાં રેકી પણ કરી હતી.
પોલીસે આ યુવકો પાસેથી ચાકુ, માસ્ક, ગ્લુવ્ઝ, સિરીંજ, સેડેટીવ્સ, લેસર લાઈટ્સ, જંતુનાશક દવાઓ અને એસિડ જેવી જોખમી સામગ્રી જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. યુવા પેઢીમાં વધી રહેલા ગુનાખોરીના વલણ અને ઓનલાઈન માધ્યમથી અપરાધ શીખવાની આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે, ત્યારે પોલીસે આ માને વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
