તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ સચિવ ધીરજ કુમારે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોને એક મહત્વપૂર્ણ પરિપત્ર મોકલીને પ્લેસમેન્ટ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી માત્ર પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર જ વિદ્યાર્થીઓની તૈયારી અને નોકરીની તકો માટે જવાબદાર હતા, પરંતુ હવે આ પદ્ધતિમાં બદલાવ કરીને વિભાગીય વડાઓ (HoDs) ને સીધા જવાબદાર બનાવવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર, HoD એ તાલીમનું સંકલન કરવાનું, ઉદ્યોગની જરૂરિયાતો ઓળખવાનું અને પ્લેસમેન્ટના પ્રયાસોનું નેતૃત્વ કરવાનું રહેશે. જો કે, અગાઉના કોઓર્ડિનેટરો વિદ્યાર્થીઓને સીવી તૈયાર કરવામાં, ઇન્ટરવ્યુની તૈયારી કરાવવામાં અને મોક ટેસ્ટ લેવામાં મદદ કરવાનું ચાલુ રાખશે.
આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યો વિકસાવવાનો છે. આ માટે દરેક વિભાગના વડાઓએ ઓછામાં ઓછા ત્રણથી પાંચ સંબંધિત ઉદ્યોગો સાથે ટાઇ-અપ કરવાનું રહેશે, જેને એમઓયુ (MoU) દ્વારા ઔપચારિક સ્વરૂપ આપવામાં આવશે જેથી નિયમિત ક્રિયાપ્રતિક્રિયા, અભ્યાસક્રમ પર પ્રતિસાદ અને મિની પ્રોજેક્ટ્સનું આયોજન થઈ શકે. પાયાની કુશળતા પ્રાપ્ત કર્યા પછી, વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ત્રણ મહિનાની ઇન્ટરશર્પ માટે મોકલવામાં આવશે. આ યોજના વિજ્ઞાન અને વાણિજ્ય સહિતના તમામ વિભાગોમાં લાગુ થશે, જ્યારે ભાષા અને સમાજશાસ્ત્રના વિભાગોમાં ડિજિટલ માર્કેટિંગ જેવા સામાન્ય કૌશલ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે.
દરમિયાન, શિક્ષક એસોસિએશને આ નવા નિર્દેશ સામે વિરોધ નોંધાવ્યો છે. તમિલનાડુ ગવર્મેન્ટ કોલેજિયેટ ટીચર્સ એસોસિએશન (TNGCTA) ના જનરલ સેક્રેટરી એસ. સુરેશે જણાવ્યું હતું કે માત્ર કૌશલ્ય વિકાસ એ જ શિક્ષણનો એકમાત્ર ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજોમાં ૭,૦૦૦ થી વધુ ખાલી જગ્યાઓ હોવાના કારણે રોજિંદા શૈક્ષણિક કાર્યો કરવા પણ મુશ્કેલ બન્યા છે, તેથી રાજ્ય સરકારે પ્લેસમેન્ટના નવા નિયમો લાદવાને બદલે કાયમી સહ પ્રાધ્યાપકોની નિમણૂક કરવા પર પ્રાથમિકતા આપવી જોઈએ.
