JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજસ્થાનમાં વરિષ્ઠ IAS-IPS દંપતી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, એન્ટી કરપ્શને શરૂ કરી તપાસ

Oct 31, 2026 | 22:42 | By JAMNAGAR MIRROR
રાજસ્થાનમાં વરિષ્ઠ IAS-IPS દંપતી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, એન્ટી કરપ્શને શરૂ કરી તપાસ
રાજસ્થાન સરકારના વરિષ્ઠ IAS અધિકારી શિખર અગ્રવાલ અને તેમના પરિવાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટાલિટી કંપનીને ગેરકાયદેસર ફાયદો કરાવી બજાર કિંમત કરતા અત્યંત ઓછા ભાવે 36 વિલા ખરીદ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

રાજસ્થાનના પ્રશાસકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવનાર આ મામલામાં ઇન્ડસ્ટ્રીઝ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકેલા વરિષ્ઠ IAS અધિકારી શિખર અગ્રવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમનીકલમ 17A હેઠળ તપાસ માટે સરકારે મંજૂરી આપી દીધી છે. ACBના ડિરેક્ટર જનરલ ગોવિંદ ગુપ્તાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવા પુરાવા મળ્યા છે કે અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કરીને 'ગોયલ ફેશન પ્રાઇવેટ લિમિટેડ' નામની ખાનગી કંપનીને ગેરકાયદેસર છૂટછાટો અને નાણાકીય પેકેજો અપાવ્યા હતા. બદલામાં આ કંપની દ્વારા ચલાવવામાં આવતી 'અનંતા' બ્રાન્ડની હોટેલ્સ અને રિસોર્ટ્સમાં અગ્રવાલ તથા તેમના પરિવારના સભ્યોના નામે કરોડો રૂપિયાની કિંમતના વિલા અત્યંત સસ્તા ભાવે ખરીદવામાં આવ્યા હોવાની શંકા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઉદયપુરના બુઝડા અને અલવરના અજબગઢ સ્થિત અનંતા રિસોર્ટ્સમાં કુલ 36 વિલા શિખર અગ્રવાલ, તેમના પત્ની અને આઈપીએસ અધિકારી પ્રશાખા માથુર તેમજ અન્ય પરિવારજનોના નામે નોંધાયેલા છે. માત્ર રૂ. 15 લાખથી રૂ. 16.5 લાખ જેટલા નજીવા ભાવે ખરીદાયેલા આ 36 એ વિલાની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 5.52 કરોડ આસપાસ થાય છે. રસપ્રદ બાબત એ છે કે નાણા વિભાગ દ્વારા ગત 27 માર્ચ 2026ના રોજ આ ખાનગી કંપનીને વિશેષ નાણાકીય છૂટછાટનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, અને બરાબર એ જ તારીખે આ તમામ વિલા અધિકારી તથા તેમના પરિવારના નામે રજીસ્ટર થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં ઉદયપુરના જિલ્લા કલેક્ટર, રાજસ્થાન સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ઉદયપુર તથા અલવર જેવા મહત્વના પદો પર રહેતી વખતે શિખર અગ્રવાલે લીધેલા નિર્ણયો શંકાના ઘેરામાં આવ્યા છે. ACB એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે શું આ હોસ્પિટાલિટી કંપનીને ફાયદો કરાવવા માટે જ નિયમોમાં શિથિલતા આપવામાં આવી હતી અને વેરિફિકેશન વિના જ મંજૂરીઓ આપવામાં આવી હતી કે કેમ. આ ગંભીર કાવતરાના કારણે રાજ્ય સરકારને થયેલા નાણાકીય નુકસાન અને ભ્રષ્ટાચારના આ તમામ પાસાઓ પર એજન્સી દ્વારા કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES