વૈશ્વિક મીડિયા સંસ્થા એસોસિએટેડ પ્રેસ (AP) દ્વારા ઉપગ્રહની તસવીરો અને પ્રાદેશિક અધિકારીઓ સાથેની વાતચીતના આધારે કરવામાં આવેલા એક ઊંડાણપૂર્વકનાં વિશ્લેષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓગસ્ટ સુધીમાં, ઈરાન અથવા તેના સમર્થિત લડાકુઓ દ્વારા કરાયેલા ૧૧૫થી વધુ ડ્રોન અને મિસાઈલ હુમલાઓમાં ૨૬ જેટલા મુખ્ય અમેરિકી સૈન્ય મથકો અને સ્થાપનોને ભારે ક્ષતિ પહોંચી છે. ઈરાની રણનીતિ મુખ્યત્વે અમેરિકી બેઝ પરના રડાર અને અર્લી-વોર્નિંગ સિસ્ટમને ધ્વસ્ત કરવાની રહી હતી, જેથી ભવિષ્યના હુમલાઓ માટેનો માર્ગ મોકળો થઈ શકે. કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા અને જોર્ડન જેવા દેશોમાં આવેલા અમેરિકી બેઝને આ હુમલાઓમાં સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું છે, જેમાં અબજો ડોલરના સાધનો અને ઈમારતો નાશ પામ્યા છે.
આ હુમલાઓની સૌથી મોટી વિશેષતા એ રહી કે ઈરાને શરૂઆતમાં જ અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમની કરોડરજ્જુ સમાન અતિ-સંવેદનશીલ રડાર સિસ્ટમ્સને ટાર્ગેટ કરી હતી. કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા અને જોર્ડન ખાતે આવેલા આ અત્યાધુનિક રડાર હટાવવાથી અમેરિકા અને તેના સહયોગીઓની આગામી હુમલાઓ સામે રક્ષણ મેળવવાની ક્ષમતા ભારે અંશે નબળી પડી ગઈ છે. રડાર સિસ્ટમ્સને નેસ્તનાબૂદ કર્યા બાદ ઈરાને હેંગર્સ, વિમાનો, સૈનિકોના રહેઠાણો, ભોજનાલયો અને વેરહાઉસને નિશાન બનાવ્યા હતા. કુવૈતના અલી અલ સાલેમ અને કેમ્પ બ્યુહરિંગ એરબેઝ તેમજ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ભારે તારાજી સર્જાઈ છે, જ્યાં અનેક વિમાનો અને લશ્કરી સાધનો ખાક થઈ ગયા હોવાની પુષ્ટિ થઈ છે.
આ વ્યાપક નુકસાનને કારણે મધ્ય પૂર્વમાં અમેરિકાની સૈન્ય ઉપસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તણાવ અને આગામી સંઘર્ષોની શક્યતા વચ્ચે અમેરિકી પ્રશાસને પર્સિયન ગલ્ફમાંથી પોતાના ઘણા મહત્વપૂર્ણ સાધનો, વિમાનો અને સંચાર પ્રણાલીઓને અન્યત્ર ખસેડી લીધી છે. જોકે, પેન્ટાગોન દ્વારા સુરક્ષાના કારણોસર આ નુકસાન અંગે સત્તાવાર જાટાઓ ટાળવામાં આવી છે અને સેના પૂરતી સક્ષમ હોવાનો દાવો કરાયો છે. નિષ્ણાતોના મતે, આ યુદ્ધ એ વાતની સાક્ષી પૂરે છે કે આધુનિક યુદ્ધોમાં સસ્તા અને વ્યાપક ડ્રોન હુમલાઓ સામે પરંપરાગત સ્થિર સૈન્ય માળખું હવે સુરક્ષિત નથી, જે અમેરિકી રક્ષા નીતિ માટે એક મોટી ચેતવણી સમાન છે.
