ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કરવામાં આવેલા 'મોક ઇમ્પીચમેન્ટ' અને નકલી સંસદના આયોજન સામે આકરા પ્રહારો કર્યા છે. શનિવારે સાંજે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તીખો કટાક્ષ કરતા કહ્યું કે, જો વિપક્ષને સરકાર ચલાવવાનો જ શોખ છે તો તેઓ તેમની 'મોક સંસદ'માં રાહુલ ગાંધીને કુર્તા-પાયજામા પહેરાવીને નકલી વડાપ્રધાન બનાવી દે અને રોજ તેમની આરતી ઉતારે. ભાજપે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં સતત હારનો સામનો કર્યા બાદ હવે વિપક્ષી નેતાઓ આંદોલનના માધ્યમથી ગેરબંધારણીય રીતે સત્તા હડપવાના સપનાં જોઈ રહ્યા છે.
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા તાજેતરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવાઇઝન (SIR) સાથે જોડાયેલા નિર્ણયો અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ જ વિરોધના ભાગરૂપે વિપક્ષે સંસદનું એક નકલી સત્ર યોજીને જ્ઞાનેશ કુમારનું 'જન અદાલતમાં મહાભિયોગ' કરવાનો દાવો કર્યો હતો અને વર્તમાન સરકારને ગેરકાયદેસર ગણાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી સંગઠન AISAના નેતા નેહા બોરા પણ ટોચના વિપક્ષી નેતાઓ સાથે જોડાયા હતા. ભાજપે નેહા બોરાની ટીકા કરતા જણાવ્યું કે આ લોકો દેશમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી અસ્થિર પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ક્યારેય સફળ નહીં થાય.
સંબિત પાત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે વિપક્ષનો વાસ્તવિક હેતુ ક્યારેય વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવાનો કે SIRનો વિરોધ કરવાનો નહોતો, પરંતુ તેનો એકમાત્ર એજન્ડા શાસન પરિવર્તન કરવાનો છે. વિપક્ષી નેતાઓ અગાઉ પણ પોલીસ અને સશસ્ત્ર સેનાઓ સામે નિવેદનો આપીને દેશમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી ચૂક્યા છે. પાત્રાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભારત કોઈ બનાના રિપબ્લિક નથી અને જંતર-મંતરની આસપાસના બે કિલોમીટરના વિસ્તારમાં જ આખું ભારત નથી વસતું. દેશની જનતા લોકશાહી અને બંધારણની સાથે છે અને વિપક્ષના આ પ્રકારના રાજકીય સ્ટંટ્સ ક્યારેય સફળ નહીં થાય.
