મેઘાલયના રાજકીય વર્તુળોમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાવર, ટેક્સટાઈલ્સ, વોટર રિસોર્સિસ અને ટેક્સેશન જેવા મહત્વના વિભાગો સંભાળતા કેબિનેટ મંત્રી મેટબાહ લિંગ્ડોહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના અધ્યક્ષ પણ છે. તાજેતરના સમયમાં યુડીપીને ભારે રાજકીય આંચકો લાગ્યો છે અને પક્ષના ધારાસભ્યો મોટા પ્રમાણમાં અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે યુડીપી વિધાનસભાઓમાં ઘટીને માત્ર એક જ ધારાસભ્ય પૂરતી સીમિત થઈ ગઈ છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૮માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં આ પક્ષપલટો શાસક અને વિપક્ષ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ રાજકીય ભૂકંપનું મુખ્ય કારણ યુડીપીના ધારાસભ્યોનો મોટા પાયે થયેલો પક્ષપલટો છે. સોમવારના રોજ જ યુડીપીના ત્રણ ધારાસભ્યો મુખ્યમંત્રી કોનરાડ સંઘમાના નેતૃત્વવાળી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)માં જોડાઈ ગયા હતા, જેને વિધાનસભાના સ્પીકર થૉમસ એ. સંઘમાએ બંધારણની દસમી અનુસૂચિના પેરાગ્રાફ ૪ હેઠળ વિધિવત રીતે માન્યતા પણ આપી દીધી છે. આ પહેલાં ગત ૧૬મી ઓક્ટોબરના રોજ યુડીપીના અન્ય આઠ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા, જે ભાજપ હાલ શાસક ગઠબંધનનો પણ એક ભાગ છે. અગાઉ ભાજપ પાસે માત્ર બે જ ધારાસભ્યો હતા, પરંતુ આ ૮ ધારાસભ્યોના જોડાવાથી ભાજપ હવે એનપીપી પછી મેઘાલય વિધાનસભામાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા મેટબાહ લિંગ્ડોહે જણાવ્યું હતું કે તેમણે રાજ્યની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અને પાર્ટીની અંદરના તાજેતરના વિકાસની ગતિવિધિઓનું ગંભીરતાથી મૂલ્યાંકન કર્યા પછી સ્વતંત્ર રીતે અને પોતાની મેળે જ આ નિર્ણય લીધો છે. તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી કોનરાડ કે. સંઘમાને સોંપી દીધું છે. લિંગ્ડોહે વધુમાં ઉમેર્યું હતું કે પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટી હવે આ તમામ રાજકીય ઘટનાક્રમો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે અને વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરીને ભવિષ્યની રણનીતિ અને આગામી પગલાં નક્કી કરશે. મેઘાલયના આ બદલાતા રાજકીય સમીકરણો આગામી સમયમાં રાજ્યના રાજકારણને કઈ દિશામાં લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે.
