JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તામિલનાડુમાં ૧ નવેમ્બરથી જીપીએસ વગરના ખનિજ વાહનો પર પ્રતિબંધ, ઓનલાઈન પોર્ટલથી મોનિટરિંગ થશે

Oct 31, 2026 | 22:20 | By JAMNAGAR MIRROR
તામિલનાડુમાં ૧ નવેમ્બરથી જીપીએસ વગરના ખનિજ વાહનો પર પ્રતિબંધ, ઓનલાઈન પોર્ટલથી મોનિટરિંગ થશે
તામિલનાડુ સરકાર દ્વારા ગેરકાયદે ખનન રોકવા માટે એક કડક પગલું લેવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસ વગર ખનિજ વહન કરતા વાહનોને ૧ નવેમ્બરથી પરમિટ આપવામાં આવશે નહીં.

તામિલનાડુ સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખનન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, રાજ્યમાં ખનિજોનું વહન કરતા કોઈપણ વાહનને જીપીએસ (GPS) ડિવાઈસ વગર મંજૂરી આપવામાં નહીં આવે. આ ખાસ ટ્રેકિંગ ડિવાઈસને રાજ્ય સરકારના ખનિજ સંચાલન માટેના ઓનલાઈન પોર્ટલ 'MiMAS' સાથે જોડવામાં આવશે. આ વાહનોમાં ઇન્સ્ટોલ કરવામાં આવનાર AIS-40 ધોરણના આ ઉપકરણોમાં સિમ કાર્ડ અને એક યુનિક આઈડી હશે, જે પોર્ટલ સાથે કનેક્ટેડ રહેશે. આનાથી પરિવહન દરમિયાન વાહનની લાઈવ લોકેશનની માહિતી સીધી વાહનમાલિકો તેમજ સત્તાવાળાઓને મળી રહેશે, જેનાથી ગેરકાયદેસર અને ઓવરલોડ ખનન પર અસરકારક અંકુશ લગાવી શકાશે.

અગાઉ સરકારે આ ઉપકરણો ઇન્સ્ટોલ કરવા માટે ૨૯ સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી હતી, પરંતુ રજીસ્ટર્ડ થયેલા ૧.૪૦ લાખ વાહનોમાંથી મોટાભાગના વાહનોમાં તે સમયસર ન લાગવાને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. ભૂસ્તરશાસ્ત્ર અને ખનન વિભાગના સંયુક્ત નિયામક એ. અરુમુગાનૈનારે જણાવ્યું હતું કે, રજીસ્ટર્ડ વાહનોની યાદીમાં સુધારો કર્યા બાદ હવે સક્રિય રીતે ખનિજ પરિવહન કરતા વાહનોની સંખ્યા આશરે ૫૦,૦00 જેટલી છે, જે અમારી પ્રાથમિકતા છે. તેમાંથી લગભગ ૩૦,૦૦૦ વાહનોમાં આ ઉપકરણો લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના વાહનમાલિકોને તાત્કાલિક ધોરણે આ પ્રક્રિયા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. વાહનમાલિકોની સગવડ માટે સરકારે માન્ય ૩૭ વેન્ડરોની યાદી પણ બહાર પાડી છે.

શરૂઆતમાં આ ઉપકરણોની ઊંચી કિંમત (૧૫,૦૦૦ રૂપિયાથી વધુ) અને હાઈકોર્ટના આદેશોને કારણે અમલીકરણમાં કેટલાક વિલંબ થયા હતા, પરંતુ ટ્રેડ યુનિયનો સાથેની ચર્ચા બાદ હવે આ ડિવાઈસ આશરે ૪,૦૦૦ રૂપિયા જેટલીફોર્ડેબલ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ૧ નવેમ્બરથી જે વાહનોમાં આ જીપીએસ ડિવાઈસ નહીં હોય તેમને ટ્રાન્સપોર્ટ પરમિટ અને પાસ ઇશ્યુ કરવામાં નહીં આવે. આ ઉપરાંત, ખનિજ વહન કરતા તમામ માલવાહક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનમાલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LATEST ARTICLES