અદાણી યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહને સંબોધતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) ના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા પ્રભાવ અંગે મહત્ત્વપૂર્ણ ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે AI શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં અપાર સંભાવનાઓ પૂરી પાડે છે અને તે જટિલ સમસ્યાઓ ઉકેલવામાં તથા વૈજ્ઞાનિક શોધખોળને વેગ આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે, આ તકનીકનો સ્વીકાર કરતી વખતે તેના પરિણામો પ્રત્યે અત્યંત સજાગ રહેવાની જરૂર છે. આજૂબાજુ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અત્યંત પ્રભાવશાળી રીતે તસવીરો, વીડિયો અને માહિતીનું સર્જન થતું હોય ત્યારે અસલ સત્ય શું છે તે પારખવું મુશ્કેલ બનતું જાય છે, જે એક મોટો પડકાર છે.
આ સમારોહમાં વર્ષ ૨૦૨૬ બેચના કુલ ૩૭૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે ૧૦ વિદ્યાર્થીઓને મેડલ (૫ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રોન્ઝ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ અદાણીએ આ સમારોહની અધ્યક્ષતા કરી હતી અને મુખ્ય અતિિથ પ્રો. રંગરાજનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પોતાના સંબોધનમાં ડૉ. પ્રીતિ અદાણીએ ઉદ્યોગ અને શિક્ષણ જગત (ઇન્ડસ્ટ્રી-એકેડેમીયા) વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વાસ્તવિક દુનિયાના પડકારો વિદ્યાર્થીઓ અને સંશોધકોને એવા પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કરે છે જે એકલા ઉદ્યોગ કે શિક્ષણ જગત દ્વારા વિચારી શકાતા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે હવે મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે ત્યારે આપણે વ્યાપક સ્તરે નવીનતા અને સંશોધન તરફ આગળ વધવું પડશે.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પુજારાએ વાર્ષિક અહેવાલ રજૂ કરતા ફેકલ્ટી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના યોગદાનને બિરદાવ્યું હતું તેમજ સંશોધન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. વર્ષ ૨૦૨૨માં સ્થપાયેલી અદાણી યુનિવર્સિટી ઉદ્યોગ-સુસંગત શિક્ષણ, વ્યવહારુ અધ્યયન અને સંશોધન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ યુનિવર્સિટીનું દીર્ઘકાલીન સ્વપ્ન એક બહુશાખાકીય સંસ્થાન તરીકે વિકસિત થઈને ભારતના રાષ્ટ્રનિર્માણ અને વિકાસમાં સક્રિય યોગદાન આપવાનું છે, જે યુવા વિદ્યાર્થીઓને દેશના છેવાડાના માનવી સુધી પહોંચતા સાર્થક પરિવર્તનો લાવવા માટે પ્રેરિત કરે છે.
