JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સંસદની બહાર મોક પાર્લામેન્ટમાં છવાયા મીરા કુમાર, ચીફ ઇલેક્શન કમિશનર સામે લાવ્યા પ્રસ્તાવ

Oct 31, 2026 | 22:02 | By JAMNAGAR MIRROR
સંસદની બહાર મોક પાર્લામેન્ટમાં છવાયા મીરા કુમાર, ચીફ ઇલેક્શન કમિશનર સામે લાવ્યા પ્રસ્તાવ
કોંગ્રેસ પ્રેરિત ‘ઇન્ડિયા’ ગઠબંધનની મોક પાર્લામેન્ટ બેઠકમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે જૂના અંદાજમાં અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનના લૉનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક જેવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં ‘ઇન્ડિયા’ ગઠબંધન દ્વારા એક મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાના પ્રથમ મહિલા અને દલિત પૂર્વ અધ્યક્ષ ૮૧ વર્ષીય મીરા કુમારે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન લોકસભા સ્પીકર રહી ચૂકેલા મીરા કુમારે પોતાના જૂના અને જાણીતા અંદાજમાં 'જલ્દી ખતમ કીજીయే' અને 'ધન્યવાદ' કહીને સત્રનું સંચાલન કર્યું હતું. જો કે, કાર્યક્રમની શરૂઆતમાં માઈક શરૂ ન થવાને કારણે થોડો અવરોધ ઊભો થયો હતો, જેને તાત્કાલિક સુધારી લેવામાં આવ્યો હતો.

આ મોક સત્ર દરમિયાન મીરા કુમારે ભારતીય લોકશાહી સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, મતદાન પ્રક્રિયા લોકશાહીનો શ્વાસ છે અને જો એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવે તો તે લોકશાહીના આત્માને ઘાયલ કરવા સમાન છે. તેમણે ચૂંટણી પંચ અને શાસક પક્ષ પર ચૂંટણી પ્રક્રિયામાં ગરબડ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સત્ર દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ છ મુખ્ય આરોપો મૂકતા તેમને દેશધ્રોહ જેવા ગણાવીને કઠેડામાં ખડા કર્યા હતા. સત્રમાં મહુઆ મોૈત્રા અને ઋતુ બરાલા સહિતના નેતાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યાં મીરા કુમારે સમય મર્યાદાનું પાલન કરાવવા માટે પોતાના કડક પણ શિષ્ટાચારયુક્ત સ્વભાવનો પરિચય આપ્યો હતો.

આ આખા સત્રનું સૌથી મોટું આકર્ષણ એુરહ્યું કે મીરા કુમાર જે ખુરશી પર બેઠા હતા, તે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની હતી, જેનો ઇતિહાસ દેશના મહત્ત્વપૂર્ણ નિર્ણયો સાથે જોડાયેલો છે. પોતાના છ મિનિટના પ્રવચનમાં મીરા કુમારે લોકશાહીને વડના વૃક્ષ સાથે સરખાવીને તેની રક્ષા માટે કોઈપણ ભોગ આપવા તૈયાર હોવાની વાત કરી હતી. પાંચ વખત સાંસદ રહેલા અને પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામના પુત્રી એવા મીરા કુમારે સત્રના અંતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આટલી મોટી બેઠકમાં એક પણ અસંમતિનો અવાજ સાંભળવા ન મળ્યો. આ મોક પાર્લામેન્ટે સંસદીય પરંપરાઓ અને વિપક્ષી એકતાનું એક નવું ચિત્ર દેશ સમક્ષ રજૂ કર્યું હતું.

LATEST ARTICLES