JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ડ્રીમ મેકર્સ ગ્લોબલ કંપનીનું 400 કરોડનું રોકાણ કૌભાંડ ખુલ્યું, ED દ્વારા 85 કરોડની સંપત્તિ જપ્ત

Oct 31, 2026 | 21:51 | By JAMNAGAR MIRROR
ડ્રીમ મેકર્સ ગ્લોબલ કંપનીનું 400 કરોડનું રોકાણ કૌભાંડ ખુલ્યું, ED દ્વારા 85 કરોડની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોર્ટે (ED) રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરનાર 'ડ્રીમ મેકર્સ ગ્લોબલ' કંપની સામે કડક કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ આ કેસમાં અંદાજે 85.19 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

ચેન્નાઈ સ્થિત ડ્રીમ મેકર્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ (DMGPL) નામની કંપનીએ સોફ્ટવેર પ્રોજેક્ટ્સમાં રોકાણના નામે હજારો નિદોષ રોકાણકારો સાથે આચરવામાં આવેલા વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આ કંપની રોકાણકારોને રોજિંદા ધોરણે ઊંચું વળતર આપવા અને માત્ર 150 દિવસમાં જ નાણાં ડબલ કરી આપવાની આકર્ષક યોજનાઓ રજૂ કરતી હતી. શરૂઆતના તબક્કામાં કેટલાક ગ્રાહકોને થોડું વળતર ચુકવીને કંપનીએ વિશ્વાસ કેળવ્યો હતો, પરંતુ ત્યારબાદ નાણાં પરત આપવામાં ડિફોલ્ટ થતાં હજારો રોકાણકારોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોયંબતૂરની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરના આધારે EDએ સઘન તપાસ શરૂ કરી હતી.

EDની અત્યાર સુધીની સઘન તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે કંપની અને તેના મુખ્ય સંચાલકો દ્વારા રોકાણકારો પાસેથી કુલ 400 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી હતી. આ જંગી નાણાં કંપનીના ત્રણ મુખ્ય બેંક ખાતાઓમાં જમા થયા બાદ એકસૂત્રતાથી તેને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. રોકાણકારોના આ નાણાંને કંપનીના હોદ્દેદારો, એજન્ટો, ફ્રેન્ચાઈઝીઓ અને સંકળાયેલા વ્યવસાયિક એકમોના અનેક બેંક ખાતાઓમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં મોટા પાયે આંતર-ખાતા ટ્રાન્સફર, રોકડ ઉપાડ અને સહયોગીઓને ચુકવણીઓ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કંપનીના મુખ્ય સંચાલકોએ આ ગેરકાયદેસર ભંડોળમાંથી અંગત ફાયદો મેળવવાની સાથે એજન્ટોને ભારે કમિશન પણ ચૂકવ્યું હતું.

આ કૌભાંડની ઊંડાણપૂર્વકની તપાસના ભાગરૂપે ED દ્વારા ગત 30 જૂન, 2026ના રોજ DMGPL અને તેના સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તીઓના રહેણાંક તેમજ વ્યવસાયિક પરિસરો પર દરોડા અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન તપાસકર્તાઓને મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય પુરાવાઓ મળી આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા છે. કંપની દ્વારા આ ફ્રોડના નાણાંમાંથી ખરીદવામાં આવેલી અસંખ્ય સ્થાવર મિલકતો, લક્ઝુરિયસ વાહનો અને સોનાના દાગીના સહિતની કિંમતી અસ્ક્યામતોની ઓળખ કરીને તેને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણાકીય ગુનાઓ અને ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ્સ સામે કેન્દ્રીય એજન્સીઓની આ કડક કાર્યવાહીથી આર્થિક અપરાધીઓમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.

LATEST ARTICLES