JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

ગુજરાતમાં ૧૫ ઓક્ટોબર સુધી આકરી ગરમીનો પ્રકોપ: ૧૬મીથી વાતાવરણ પલટાશે અને માવઠાની શક્યતા

Oct 05, 2026 | 13:37 | By JAMNAGAR MIRROR
ગુજરાતમાં ૧૫ ઓક્ટોબર સુધી આકરી ગરમીનો પ્રકોપ: ૧૬મીથી વાતાવરણ પલટાશે અને માવઠાની શક્યતા

રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે હવે અસહ્ય ગરમી અને ઉકળાટનો નવો દોર શરૂ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીનું મોજું યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે, જેમાં બપોરે આકરો તાપ અને રાત્રિના સમયે વાતાવરણમાં સામાન્ય ઠંડક અનુભવાશે. જોકે ૧૬ ઓક્ટોબર પછી વાતાવરણમાં પલટો આવવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાનના આંકડાકીય અંદાજ મુજબ, મધ્ય ગુજરાતમાં મહત્તમ પારો ૩૭ થી ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી તથા સુરેન્દ્રનગર પંથકમાં તાપમાન ૩૬ થી ૩૮ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. યાત્રાધામ દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો ૩૭ થી ૪૦ ડિગ્રી સુધી જવાની ધારણા છે. આ ઉપરાંત ભરૂચ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસહ્ય ઉકળાટ રહેશે. જોકે, ૧૦ થી ૧૨ ઓક્ટોબર વચ્ચે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે.

દરિયાઈ અને વૈશ્વિક હવામાન પ્રણાલી અંગે વિગતો આપતાં જણાવાયું છે કે, ૧૨ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી સક્રિય બનશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્ભવી રહેલું 'નોલા' વાવાઝોડું વધુ સશક્ત બનીને સુપર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે, જેમાં ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાની મુખ્ય અસર દક્ષિણ ચીન અને જાપાન તરફ રહેવાની વકી છે, પરંતુ તેના અવશેષો જો બંગાળની ખાડીમાં પ્રવેશશે તો ત્યાં લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનશે. જેને પગલે ૧૭ ઓક્ટોબરથી ગુજરાતના દરિયાકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.

મહિનાના અંતિમ દિવસોમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અર્થાત માવઠું પડવાની શક્યતા છે. જો અલ નીનોની નકારાત્મક અસર નહીં રહે તો ૨૦ ઓક્ટોબરની આસપાસ પણ વરસાદી ઝાપટાં વરસી શકે છે. આગામી દિવસોમાં હવામાન પ્રણાલી કઈ દિશા પકડે છે તેના આધારે રાજ્યના વાતાવરણમાં હજુ મોટા ફેરફારો જોવા મળી શકે છે.

LATEST ARTICLES