ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામથી શ્રદ્ધાળુઓને લઈને પરત ફરી રહેલું ખાનગી કંપનીનું એક હેલિકોપ્ટર જોશીમઠના પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં પાંચ તીર્થયાત્રીઓ અને એક પાયલટ સહિત કુલ છ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. 'ટ્રાન્સ ભારત એવિએશન' દ્વારા સંચાલિત આ હેલિકોપ્ટર દહેરાદૂન જઈ રહ્યું હતું ત્યારે 'ચાઈ ગામ' પાસે પહાડી સાથે અથડાઈને ક્રેશ થયું હતું. શુક્રવારે રાત્રે અંધકાર છવાઈ જવાથી અને ભારે દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ જંગલી રીંછ જેવા વન્યજીવોની હાજરીને કારણે બચાવ કામગીરી રોકી દેવી પડી હતી, જેને શનિવારે સવારે ૫ વાગ્યાથી ફરીથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA)ના સીઈઓ પ્રતીક જૈનના જણાવ્યા અનુસાર, મૃતદેહો મળી આવ્યા છે પરંતુ પર્વતીય ભૂપ્રદેશની કઠિનતાને કારણે તેમને હેડક્વાર્ટર સુધી લાવવા ખૂબ જ પડકારજનક છે. આ માટે વન વિભાગની ખાસ ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી છે. મૃતદેહોને ટ્રેકિંગ દ્વારા ચમોલી જિલ્લાના મુખ્ય મથકે લાવીને ત્યાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ દહેરાદૂન રવાના કરવામાં આવશે.
આ ગંભીર અકસ્માતની સઘન તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની વિશેષ ટીમો પણ ઘટનાસ્થળે અને દહેરાદૂન પહોંચી રહી છે. ખરાબ હવામાન અંગે હવામાન વિભાગ (IMD)નું એલર્ટ હોવા છતાં ઉડાણ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી કે નહીં તે પણ હાલ તપાસનો વિષય બન્યો છે. આ દુર્ઘટનાને કારણે કર્ણાટક સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને ઉડ્ડયન ક્ષેત્રની સલામતી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
