JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

આણંદમાં નવા બસ મથક માટે હંગામી જગ્યા ફાળવાઈ, મનપાની બેઠકમાં ૩૦ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

Oct 31, 2026 | 05:10 | By JAMNAGAR MIRROR
આણંદમાં નવા બસ મથક માટે હંગામી જગ્યા ફાળવાઈ, મનપાની બેઠકમાં ૩૦ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
આણંદમાં નવું બસ મથક બનાવવા માટે એસ.ટી. નિગમને ૨૪ માસ માટે નિઃશુલ્ક હંગામી જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે જ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધાઓ અને જનકલ્યાણને લગતા ૩૦ જેટલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

આણંદ શહેરના નાગરિકોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું બસ મથક પૂરું પાડવા માટેની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. એસ.ટી. નિગમ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા ટી.પી. સ્કીમ નંબર ૩ ના ફાઇનલ પ્લોટ નંબર ૫ પર આવેલી મનપાની જગ્યા આગામી ૨૪ મહિના માટે હંગામી ધોરણે લીનિયર બસ મથક બનાવવા માટે નિઃશુલ્ક ફાળવવામાં આવી છે. આ નિર્ણયના અમલીકરણથી હવે નવા બસ મથકના નિર્માણ કાર્યને ભારે વેગ મળશે અને મુસાફરોની અવરજવર સરળ બનશે. સ્થાયી સમિતિના ચેરમેન મયુર સુથાર અને કમિશનર આર. એન. ડોડિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને સ્પર્શતા ૩૦ જેટલા અગત્યના મુદ્દાઓ પર મહોર મારવામાં આવી છે.

શહેરમાં સેવા આપતા ગીગ વર્કર્સ (ફૂડ ડિલિવરી, કેબ-ઓટો સર્વિસ અને પરિવહન ક્ષેત્રે કાર્યરત શ્રમિકો) માટે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મુખ્ય બજારો જેવા વધુ અવરજવર વાળા વિસ્તારોમાં આ કામદારો માટે પીવાનું પાણી, શૌચાલય, વિશ્રામગૃહ અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓથી સજ્જ રેસ્ટરૂમ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, વરસાદ અને ગટર લાઇનના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ટી.પી. નંબર ૪ મંગળપુરા સહિતના મુખ્ય માર્ગોના ત્વરિત રી-સર્ફેસિંગ માટે રૂપિયા ૨ કરોડનું બજેટ ફાળવાયું છે. સાથે જ મનપાના ૬ કોમ્યુનિટી હોલના રિનોવેશન અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા અર્થે ૪.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે, જે નાગરિકો માટે સુવિધાઓમાં મોટો વધારો કરશે.

શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય અને પશુ કલ્યાણ ક્ષેત્રે પણ સરાહનીય પગલાં લેવામાં આવ્યા છે. હડકવા નિયંત્રણ અને રસીકરણ ઝુંબેશ અંતર્ગત ૨.૫૦ કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક ડોગ હોસ્ટેલનું નિર્માણ કરાશે તેમજ રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા નવી બોલેરો અને પિકઅપ વાન ખરીદવામાં આવશે. ઘરે-ઘરે જઈને કચરાનું યોગ્ય વર્ગીકરણ સમજાવવા માટે સખી મંડળની બહેનો અને ૧૦૦ સ્વયંસેવકોની સેવા લેવાશે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇડલાઇન મુજબ લાંભવેલ ડમ્પિંગ સાઇટ ફરતે ૫૫.૪૧ લાખના ખર્ચે ૯૪૨ મીટર લાંબી પેનલ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. આ સાથે જ ડી.ઝેડ. પટેલ હાઇસ્કૂલથી ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ સુધીના માર્ગનું નામકરણ સ્વતંત્ર સેનાની પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માર્ગ તરીકે કરવાની જાહેરાત કરવામાં આવી છે.

LATEST ARTICLES