અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલી આકરુંદ ચોકડીથી લઈ છેક મસ્જિદ સુધીનો અંદાજે અડધો કિલોમીટરનો માર્ગ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ માર્ગ પર પડેલા મસમોટા અને જીવલેણ ખાડાઓને કારણે વાહન-ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સો-મિલ વિસ્તાર પાસેથી રહેણાંકનું બેફામ પાણી આ માર્ગ પર છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે રોડનું ધનોતપનોત નીકળી ગયું છે. ટુ-વ્હીલર વાહનચાલકો સ્લીપ થઈને પડી જવાના બનાવો સામાન્ય બન્યા છે, જ્યારે કાર અને અન્ય વાહનોના ચાલકો પણ આ ભંગાર રસ્તાથી ત્રાસીને તોબા પોકારી ઉઠ્યા છે. રોડની રચના પણ એવી છે કે બંને બાજુ ઊંચી હોવાથી અને વચ્ચેનો ભાગ નીચાણમાં હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી.
આ વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક લોકો અને વાહન-ચાલકો દ્વારા લાંબા સમયથી આ માર્ગને આરસીસી (RCC) બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે, તંત્ર દ્વારા માત્ર ખાડાઓમાં માટી કે કાંકરીનું પૂરાણ કરીને સંતોષ માની લેવામાં આવે છે, જેના કારણે થોડા સમયમાં જ પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. જિલ્લા માર્ગ-મકાન વિભાગ અને સ્થાનિક પંચાયત સત્તાવાળાઓની ઉદાસીનતાને કારણે આ સમસ્યા વર્ષોથી વણઉકેલાયેલી રહી છે. રોડ પર બેફામ પાણી છોડતા મકાન માલિકો સામે પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાણીનો પ્રવાહ રોકવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
ચૂંટણી સમયે મત માંગવા માટે દોડી આવતા લોકપ્રતિનિધિઓ અને કહેવાતા જનસેવકો અત્યારે આ ગંભીર સમસ્યા બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિકાસના મોટા દાવા કરતી સરકારી વહીવટી યંત્રણા અને નેતાઓની બેદરકારીથી પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે લોકોની ધીરજ ખૂટી રહી છે અને જો વહેલી તકે આ માર્ગના નવનિર્માણ કે કાયમી નિકાલ માટે કોઈ પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં 'રસ્તા રોકો' જેવા ઉગ્ર આંદોલનોનું રણશિંગુ ફૂંકાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.
