સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ પણ માવઠાની આફતે ખેડૂતોની દશા બગાડી નાખી છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, પરંતુ શુક્રવારની સવારથી જ સમગ્ર આકાશ વાદળછાયું બની ગયું હતું. આ અણધાર્યા હવામાન પલટાને કારણે હિંમતનગર, ઈડર, વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા પંથકમાં જોરદાર પવન સાથે કમોસમી ઝાપટાં પડ્યા હતા, જેને લીધે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે.
આ કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં ખેડૂતોએ મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર કર્યું હતું, જેની કાપણી કરીને હાલ પાકને સૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ અચાનક ઘેરાયેલા વાદળો અને વરસાદના જોખમને જોતા ડાંગરનો પાક બગડી ન જાય તે માટે ખેડૂતોએ તાડપત્રી અને પ્લાસ્ટિકનો સહારો લઈને ડાંગરના ઢગલાઓને ઢાંકી દેવાની ફરજ પડી છે. જો આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ રહેશે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જશે અને તેઓની આ વખતની દિવાળી ફીકી પડી જવાની પૂરી શક્યતા છે.
ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી આપત્તિની સીધી અસર સ્થાનિક વેપાર અને બજારો પર પણ જોવા મળી રહી છે. ખરાબ હવામાન અને વરસાદી વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંતિજ માર્કેટયાર્ડ દ્વારા અનાજની ખરીદીની પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. એક તરફ પાક બગડવાનો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ માર્કેટયાર્ડમાં વેચાણ બંધ રહેતા ખેડૂતો આર્થિક ચિંતામાં મુકાયા છે. જો વહેલી તકે વાતાવરણ પૂર્વવત નહીં થાય તો અન્નદાતાઓની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે.
