પાટણ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શંખેશ્વર ખાતે જીગો પેઢીના મુખ્ય ગેટની બરાબર બહાર આવેલા એક ઉપાશ્રયમાં ગંભીર અકસ્માત સર્જાતા માંડ માંડ બચી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઉપાશ્રયનું થોડા જ મહિનાઓ અગાઉ આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું. છતાં ગત રોજ અચાનક તેના ત્રીજા માળેથી છજાનો એક મોટો હિસ્સો અચાનક ધરાશાયી થઈને નીચે રસ્તા પર પટકાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.
આ સ્થળ ખૂબ જ વ્યસ્ત છે કારણ કે અહીંથી ગામનો મુખ્ય જાહેર રસ્તો પસાર થાય છે અને તે જૈન દેરાસર જવાના મુખ્ય ગેટની નજીક આવેલો છે. સામાન્ય દિવસોમાં આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોની ભારે ભીડ રહેતી હોય છે. જોકે, સદનસીબે ઘટના બની તે સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. માત્ર ઉપાશ્રયની બાજુમાં જ પાર્ક કરવામાં આવેલું એક મોટરસાઇકલ ઉપર કાટમાળ પડવાથી તેને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટના બાદ શંખેશ્વરના ગ્રામ્ય અને તીર્થ વિસ્તારમાં બહુમાળી ઇમારતોના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. યાત્રાળુઓની વધતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે મર્યાદિત જગ્યામાં થઈ રહેલા ઊંચા બાંધકામો કેટલા સુરક્ષિત છે તે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ બનેલા આ મકાનના છજાનું તૂટી પડવું એ માત્ર એક ટ્રાયલ જેવું છે, પરંતુ જો ભવિષ્યમાં કોઈ કુદરતી આપત્તિ કે મોટી ઘટના સર્જાય તો આવી નબળી કે બિન-ટકાઉ બહુમાળી ઇમારતો અસંખ્ય લોકોના પ્રાણનું જોખમ બની શકે છે, જે બાબતે તંત્ર અને સંચાલકોએ ગંભીરતાથી વિચારવું પડશે.
