બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ખારીયા ત્રણ રસ્તાથી મોટા જામપુરા સુધીનો માર્ગ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધિ માટે સરકારની કિસાન પથ યોજના અંતર્ગત રિસરફેસ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. ૨,૮૦,૧૨,૯૨૮.૬૮નો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનું કામ ૨૮ મે ૨૦૨૫ના રોજ શરૂ થઈને ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ પૂર્ણ થયાનું સત્તાવાર બોર્ડ પર દર્શાવવામાં આવ્યું છે. પાલનપુરના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જે.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને સોંપવામાં આવેલા આ કામમાં માટીકામ, કાંકરકામ, મેટલકામ અને રોડ ફર્નિશિંગનો સમાવેશ થતો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં આ નવોસકોરો રોડ અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે.
રોડની આ દયનીય સ્થિતિ પાછળ બનાસ નદીમાંથી દિવસ-રાત પસાર થતા રેતી ભરેલા ભારેખમ ડમ્પરો અને આઇવા જેવા અનિયંત્રિત વાહનો મુખ્ય કારણ બન્યા છે. ઓવરલોડેડ વાહનોની સતત અવરજવરને કારણે રોડ વચ્ચેથી તૂટી ગયો છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે રોડની બંને બાજુએ યોગ્ય બોર્ડર પટ્ટા બનાવવામાં આવ્યા નથી, જેના લીધે ડમ્પરોમાંથી ઉડતી રેતીના મોટા ઢગલા રોડની કિનારીઓ પર જમા થઈ ગયા છે. વળી, ચોમાસા દરમિયાન ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાને સમયસર દૂર કરવામાં ન આવતા માર્ગ અત્યંત સાંકડો બની ગયો છે. રોડ પર માટી અને ધૂળના થ્થરો જામ થઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને સતત ઉડતા ધૂળના ગોટેગોટાથી રાહદારીઓ તથા સ્થાનિક રહીશોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે.
આ સમગ્ર પ્રકરણમાં એજન્સીની નિષ્ફળતા અને સરકારી તંત્રની ઉદાસીનતા ખુલ્લી પડી રહી છે ત્યારે સ્થાનિક ખેડૂતો અને પ્રજાજનોમાં ભારે આક્રોશ પ્રજવલિત થયો છે. લોકો દ્વારા એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું રોડના નિર્માણ વખતે ગુણવત્તાના ધોરણોની માત્ર કાગળ પર જ ચકાસણી કરવામાં આવી હતી કે પછી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી પ્રજાના પરસેવાની કમાણીનું આંધણ પાણીમાં ગયું છે? આ મામલે ગાંધીનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે વહેલી તકે આ રોડનું પુનઃસમારકામ કરવામાં આવે, રેતી અને ધૂળના ઢગલા હટાવવામાં આવે તેમજ રોડની આસપાસના ઝાડી-ઝાંખરા સાફ કરીને વાહનચાલકો માટે રસ્તો સુરક્ષિત બનાવવામાં આવે.
