JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

પાલનપુર નગરપાલિકામાં કામ વગર સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવા પાછળ પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ દુરઉપયોગ

Oct 31, 2026 | 04:45 | By JAMNAGAR MIRROR
પાલનપુર નગરપાલિકામાં કામ વગર સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવા પાછળ પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ દુરઉપયોગ
પાલનપુર નગરપાલિકા દ્વારા વાહવાહી મેળવવા માટે વાસ્તવિક સફાઈ કરવાને બદલે પાલિકાના પ્રાંગણમાં જ સાવરણો પકડીને રીલ્સ બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ અને સરકારી ગ્રાન્ટોનો ગેરવહીવટ થતા નગરજનોમાં રોષ ફેલાયો છે.

પાલનપુર નગરપાલિકામાં 'સ્વચ્છ પાલનપુર, સુંદર પાલનપુર' અભિયાન માત્ર કાગળ પર અને સોશિયલ મીડિયા પૂરતું સીમિત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. સેનિટેશન ચેરમેન, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના ગંદા વિસ્તારો કે જ્યાં કચરાના મોટા ઢગલા પડ્યા છે ત્યાં સફાઈ કરવાના બદલે માત્ર નગરપાલિકાના પોતાના જ પ્રાંગણમાં સાવરણો પકડીને સફાઈ કરવાનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવીને વાહવાહી મેળવવાનો જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે માત્ર આ પ્રકારની રીલ્સ બનાવવા અને પ્રચાર કરવા પાછળ દર મહિને અંદાજે રૂા. ૩૫ હજાર જેટલી માતબર રકમ પ્રજાના ટેક્સના નાણાંમાંથી પાણીની જેમ વહાવવામાં આવી રહી છે, જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં સફાઈની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય છે અને કરોડો રૂપિયાના સેનિટેશન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવા છતાં ડમ્પીંગ સાઈટની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. કોન્ટ્રાક્ટની શરતોનું પાલન કરાવવાને બદલે માત્ર બિલ મંજૂર કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ડમ્પીંગ સાઈટ પર કચરાના સેગ્રીગેશન અને નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે ત્યાં રૂા. ૬ કરોડના ખર્ચ નવી દીવાલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ખડા કરે છે. આ ઉપરાંત, પાલનપુર નગરપાલિકામાં હવે કરદાતાઓના નાણાંનો બેફામ દુરઉપયોગ કરવાનો નવો જ સિલસિલો શરૂ થયો છે. નાણાં ખૂટે ત્યારે વેરામાં વધારો કરી દેવો અથવા ગાંધીનગરથી ગ્રાન્ટ મંગાવીને મનફાવે તેમ વાપરવી એ પાલિકાની કાર્યશૈલી બની ગઈ છે.

માનસરોવર તળાવને પીનિક પોઈન્ટ બનાવવાના નામે અગાઉ રૂા. ૮ કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં આજે પણ ત્યાં ગટરના જ પાણી ઠલવાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં તંત્ર સામે ફિટકાર વરસી રહ્યો છે. સામાન્ય જનતા આ બધી બાબતોથી વાકેફ છે, પરંતુ યોગ્ય ઉપાયના અભાવે માત્ર ચર્ચાઓ કરીને સંતોષ માનવા મજબૂર છે. સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓને પ્રજાના પ્રશ્નો કે આલોચનાથી કોઈ જ ફરક પડતો નથી. સ્થાનિક કચેરીથી લઈને ગાંધીનગરની વડી કચેરી સુધીના અધિકારીઓ દ્વારા સેનિટેશન શાખાના આડેધડ વહીવટ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાના બદલે કાગળો પર બધું સમુસૂતરું બતાવીને અંગત લાભ ખાટવામાં આવી રહ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

LATEST ARTICLES