જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.) ને લઈને અસરગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસંતોષ પ્રસર્યો છે. વસઈ, આમરા, લાખાબાવળ, મસીતિયા સહિતના આસપાસના દસ જેટલા ગામોના ખેડૂતો, જમીન માલિકો અને સ્થાનિક રહેવાસીઓને વિશ્વાસમાં લીધા વિના તથા કાયદેસરની પ્રક્રિયાનું પાલન કર્યા વગર આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. કચેરીની ચાર દીવાલો વચ્ચે નકશા પર માત્ર રેખાઓ દોરીને તૈયાર કરાયેલા આ આયોજનથી હજારો લોકોની ખેતીની જમીન, મિલકતના અધિકારો અને ભવિષ્યના વિકાસ પર લાંબા ગાળાની માઠી અસરો પડવાની પૂરી સંભાવના છે, જેને લઈને સ્થાનિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને સામાજિક કાર્યકર કાસમભાઈ ખફીએ 'જાડા'ના ચેરમેન સમક્ષ સત્તાવાર અને લેખિત રજૂઆત કરીને હાલના ડેવલપમેન્ટ પ્લાન સામે સખત વાંધો નોંધાવ્યો છે. તેમની મુખ્ય દલીલ છે કે વિકાસ સામે કોઈનો વિરોધ નથી, પરંતુ વિકાસના નામે સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હકો પર તરાપ મારવી અક્ષમ્ય છે. આ યોજનામાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલા ડામર રોડ તેમજ વર્ષો જૂના રસ્તાઓ દર્શાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોના ગામતળમાં વર્ષોથી વસવાટ કરતા લોકોના અનધિકૃત મકાનોને રેગ્યુલરાઈઝ કરવાના બદલે તેમને બેઘર થવાની સ્થિતિમાં મૂકી દેવાય તેવી જોગવાઈઓ સામે પણ તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કુદરતી ન્યાયના સિદ્ધાંતોને નેવે મૂકીને તૈયાર કરાયેલ આ ડી.પી. ની પ્રક્રિયા સામે કાયદેસરના પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ રજૂઆતની નકલો મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ. સહિતના ઉચ્ચ અધિકારીઓને મોકલીને માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત ગામોમાં જાહેર સુનાવણી યોજીને લોકોના વાંધા-સૂચનો સાંભળવામાં ન આવે અને સર્વે નંબરવાર યોગ્ય સુધારા કરવામાં ન આવે ત્યાં સુધી આ યોજનાને આખરી મંજૂરી આપવી જોઇએ નહીં. જો લોકહિત વિરુદ્ધ જઈને આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે તો અસરગ્રસ્ત ખેડૂતો અને નાગરિકોના હિતમાં કાયદાકીય લડત ચલાવવાની પણ ચીમકી આપવામાં આવી છે.
