ન્યુ યોર્ક સિટીના મંહત્ત્વપૂર્ણ લેન્ડસ્કેપ પ્રોજેક્ટ એવા હાઈ લાઈનનો ઇતિહાસ ૧૯૩૩માં વેસ્ટ સાઇડ એલવેટેડ લાઇન તરીકે શરૂ થયો હતો, જેનો ઉપયોગ અગાઉ માંસ, ડેરી અને ખેત પેદાશોની હેરાફેરી માટે થતો હતો. સમય જતા સમય બદલાતા અને ટ્રક ટ્રાફિક વધતા આ રેલવે લાઇન બિનઉપયોગી બની ગઈ હતી અને તેને તોડી નાખવાની માંગ ઉઠી હતી. પરંતુ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં આ માળખાને સિટી ઓફ ન્યુ યોર્કને સોંપવામાં આવ્યું અને ૨૦૦૬માં તેના પુનઃવિકાસનું કામ શરૂ થયું. વર્ષ ૨૦૦૯માં તેનો પહેલો હિસ્સો પબ્લિક પાર્ક તરીકે ખૂલ્યા બાદ, છેલ્લા ૧૭ વર્ષમાં તબક્કાવાર વિસ્તરણ થઈને આજે આ ગ્રીનવે દર વર્ષે અંદાજે ૬૦ લાખ મુલાકાતીઓને આકર્ષે છે.
પશ્ચિમ ૩૪મી સ્ટ્રીટ અને ટ્વેલ્થ એવન્યુ ખાતે આવેલો આ આખરી બગીચો રેલવે યાર્ડ રિઝર્વના પ્રવેશદ્વાર પર તૈયાર કરવામાં આવ્યો છે. હોર્ટિકલ્ચરના સિનિયર ડિરેક્ટર રિચાર્ડ હેડનના જણાવ્યા અનુસાર, આ નવા ગાર્ડનની શરૂઆતથી હાઈ લાઈન પરથી તમામ કન્સ્ટ્રક્શન શેડ હટી જશે અને મુલાકાતીઓ માટે ભવ્ય પ્રવેશદ્વાર ઉપલબ્ધ થશે. આ અનોખા બગીચામાં ૨,૫૬૧ ચોરસ ફૂટના પ્લાન્ટિંગ બેડમાં સેજ, ગ્રાસ અને વ્હાઇટ ફ્લાવર્સ ધરાવતા કોરલ બેલ્સ સહિત લગભગ ૨,૦૦૦ જેટલા પેરેનિયલ (બારમાસી) છોડ રોપવામાં આવ્યા છે. જાણીતા ડચ લેન્ડસ્કેપ ડિઝાઇનર પીટ આઉડોલ્ફ દ્વારા ડિઝાઇન કરાયેલ આ જગ્યાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંના છોડ એલિવેટેડ સ્ટ્રક્ચરને બદલે સીધા જમીનની માટીમાં મૂળ ફેલાવશે, જે હાઈ લાઈનના અન્ય ભાગો કરતા તેને તદ્દન અલગ બનાવે છે.
આ આખરી બગીચાના ઉદ્ઘાટન સાથે જ લગભગ બે દાયકાથી ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી વિઝનને પૂર્ણવિરામ મળશે અને ન્યુ યોર્કવાસીઓ તેમજ પ્રવાસીઓ માટે સમગ્ર હાઈ લાઈન પ્રથમ વખત સંપૂર્ણપણે ખુલ્લી થશે. જૂની અને બિનઉપયોગી રેલવે લાઇનને અદભુત સાર્વજનિક ગ્રીનવેમાં બદલવાનો આ પ્રયોગ સમગ્ર વિશ્વમાં અડપ્ટિવ રુઝ (પુનઃઉપયોગ) નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ૧૯૩૩માં માલગાડીઓ દોડાવવાથી શરૂ થયેલી આ સફર હવે નવેમ્બરમાં ૨,૦૦૦ નવા છોડ અને આકર્ષક પ્રવેશદ્વાર સાથે પૂર્ણ થશે, જે ન્યુ યોર્કના પશ્ચિમી વિસ્તારની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાની સાથે મધમાખીઓ, પતંગિયાઓ અને પક્ષીઓ માટે કુદરતી આવાસ પણ પૂરું પાડશે.
