ટેક્નોલોજી દિગ્ગજ એચએમડી (HMD) એ તાજેતરમાં જ બજારમાં એક નવો ફીચર ફોન 'નોકિયા ૨૩૬0 ફ્લિપ' (Nokia 2360 Flip) લૉન્ચ કર્યો છે, જે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. ક્લેમશેલ (ફ્લિપ) ડિઝાઇન ધરાવતા આ ફોનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ દુનિયા સાથે સરળતાથી જોડાયેલા રહેવાનો અને રોજિંદા ઉપયોગને વધુ સુરક્ષિત તથા સરળ બનાવવાનો છે. આ ફોનમાં ડ્યુઅલ ડિસ્પ્લે અને રીમૂવેબલ બેટરી જેવી સુવિધાઓ છે, જે તેને ક્લાસિક લુકની સાથે આધુનિક ઉપયોગિતા પણ પ્રદાન કરે છે. ચાર્કોલ, બર્ગન્ડી રેડ અનેટીલ જેવા આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ આ ફોન યુઝર્સને પ્રીમિયમ અનુભવ કરાવે છે.
આ ડિવાઈસનું સૌથી મોટું આકર્ષણ તેનું 'ફેમિલી અસિસ્ટ' (Family Assist) ફીચર છે, જે પરિવારના અન્ય સભ્યોને આ ફોનને રિમોટલી મેનેજ કરવાની મંજૂરી આપે છે. ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર ઉપલબ્ધ આ ફ્રી એપ દ્વારા પરિવારના સભ્યો કોઈપણ ડેટા પ્લાન વગર એસએમએસ દ્વારા ફોનની સેટિંગ્સ બદલી શકે છે. આના દ્વારા સંપર્કો ઉમેરવા, રિમાઇન્ડર્સ સેટ કરવા, વોલ્યુમ એડજસ્ટ કરવું અને ડોક્ટરનો નવો નંબર અપડેટ કરવાનું કામ ખૂબ જ સરળ બને છે. આ ઉપરાંત, મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ માટે ફોનમાં એક સમર્પિત એસઓએસ (SOS) બટન આપવામાં આવ્યું છે, જેને ત્રણ સેકન્ડ સુધી દબાવી રાખવાથી એકસાથે પાંચ ઈમરજન્સી કન્ટેક્ટ્સને મેસેજ અને કૉલ કરી શકાય છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ફોનમાં મજબૂત પેરેન્ટલ કંટ્રોલ આપવામાં આવ્યા છે. ફેમિલી પિન દ્વારા સેટ થતા 'સ્કૂલ મોડ'ની મદદથી ફોનને ઘડિયાળ અને માત્ર ઈમરજન્સી કૉલ પૂરતો મર્યાદિત કરી શકાય છે, તેમજ માત્ર મંજૂર કરેલા નંબર પર જ કૉલ કે મેસેજની છૂટ આપી શકાય છે. ૨.૮ ઇંચની મુખ્ય સ્ક્રીન પર મોટા આઇકન્સ અને સ્પષ્ટ લખાણ હોવાને કારણે વરિષ્ઠ નાગરિકોને નેવિગેશનમાં સરળતા રહે છે. ૧.૭૭ ઇંચની બાહ્ય સ્ક્રીન ફોન ખોલ્યા વગર જ કૉલરની માહિતી આપી દે છે, જ્યારે ૧૪૫૦ mAh ની બેટરી લાંબો સમય સુધી ટકી રહે છે.
