JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ભૂટાનમાં હિમનદી ફાટતા પશ્ચિમ બંગાળમાં ૧૨,૦00 લોકોનું સ્થળાંતર, આસામમાં હાઈ એલર્ટ

Oct 30, 2026 | 19:35 | By JAMNAGAR MIRROR
ભૂટાનમાં હિમનદી ફાટતા પશ્ચિમ બંગાળમાં ૧૨,૦00 લોકોનું સ્થળાંતર, આસામમાં હાઈ એલર્ટ
ભૂટાનમાં શિંતાફુ હિમનદી ફાટવાને કારણે સંકોષ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાંથી ૧૨,૦૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પડોશી રાજ્ય આસામમાં પણ વહીવટી તંત્ર દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારો પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ભૂટાનના ગાસા પ્રદેશમાં આવેલી શિંતાફુ હિમનદી અચાનક ફાટી જવાને કારણે (GLOF) આશરે ૭૪ લાખ ઘન મીટર પાણી કાટમાળ અને કીચડ સાથે નીચે તરફ વહી રહ્યું છે. આ કુદરતી આપત્તિના પગલે પશ્ચિમ બંગાળ અને આસામની સરહદ પર વહેતી સંકોષ નદીના જળસ્તરમાં અચાનક બે ફૂટનો મોટો વધારો નોંધાયો છે. ગુરુવારે સાંજે બનેલી આ ઘટના બાદ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તાત્કાલિક વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી, જેના આધારે બંને રાજ્યોના સ્થાનિક પ્રશાસને ત્વરિત પગલાં લઈને સંભવિત નુકસાન ટાળવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં સંકોષ નદીના કાંઠે વસતા આશરે ૧૨,૦૦૦ જેટલા નાગરિકોને પૂર્વસૂચન રૂપે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જળ સંસાધન મંત્રી નિશિથ પ્રમાનિકે નદીના જળાશય વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી હતી. જોકે, અલીપુરદ્વારના કુમારગ્રામ વિસ્તારમાં હજુ સુધી કોઈ મોટી જાનમાલ કે નુકસાનીના અહેવાલ નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે ઉત્તર બંગાળના બનરહાટ, બિનનાગુરી અને નાગરાકાટા જેવા વિસ્તારોમાં લાઉડસ્પીકર દ્વારા સતત ચેતવણીઓ આપવામાં આવી રહી છે. સિક્કિમમાં વર્ષ ૨૦૨૩માં સર્જાયેલી વિધ્વંસક ઘટનાની યાદ તાજી કરનાર આ દુર્ઘટનાને પહોંચી વચવા માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

બીજી બાજુ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધુબરી અને કોકરાઝાર જિલ્લાઓમાં સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખ્યું છે. આસામ સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) દ્વારા નદીકાંઠાના સમુદાયો સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને 'આપદા મિત્ર' સ્વયંસેવકોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા ભૂટાન સાથે સતત સંકલન સાધીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

LATEST ARTICLES