ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓરેકલે ન્યૂ મેક્સિકોમાં નિર્માણાધીન ૧૬૫ અબજ ડોલરના AI ડેટા સેન્ટર કેમ્પસ 'પ્રોજેક્ટ જ્યુપિટર' અંગે વધી રહેલી ચિંતાઓને નકારી કાઢી છે. લાસ વેગાસમાં યોજાયેલી 'ઓરેકલ AI વર્લ્ડ' કોન્ફરન્સ દરમિયાન, કંપનીના ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીફ મહેશ ત્યાગરાજને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટ કંપની દ્વારા દર ત્રિમાસિક ગાળામાં વિકસાવવામાં આવતા ૩૦ થી ૪૦ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પૈકીનો જ એક છે. જોકે, કંપનીનો આ આત્મવિશ્વાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બીજી તરફ રોકાણકારો અને ધિરાણકર્તાઓમાં ભારે અસમંજસ અને બેચેની પ્રયાપ્ત થઈ રહી છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે અનેક વ્યવસાયિક અને કાનૂની અવરોધો ઊભા થયા છે, જેમાં ખાસ કરીને વીજળીની પરવાનગીઓ મેળવવામાં વિલંબ મુખ્ય છે. સાન્ટા ટેરેસા નજીક ૧,૪૦૦ એકરમાં ફેલાયેલું આ કેમ્પસ ઓપનએઆઈ (OpenAI) માટે તૈયાર થઈ રહેલા અગ્રણી 'સ્ટારગેટ' પ્રોજેક્ટ્સમાં સામેલ છે, જ્યાં બિલ્ડિંગો તો ઊભી થઈ રહી છે પરંતુ તેને ચલાવવા માટે પાવર ક્લિયરન્સ હજુ બાકી છે. કુદરતી ગેસ આધારિત બ્લૂમ એનર્જી ફ્યુઅલ સેલ્સ દ્વારા ૨.૪૫ ગીગાવોટ વીજળી મેળવવાની આ યોજના માટેના એર ક્વોલિટી પરમિટ્સ અને 'ગ્રીન ચીલી' પાઇપલાઇનને મંજૂરી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેકલે ગયા મહિને પ્રોજેક્ટના ડેવલપર STACK ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેરેન્ટ કંપની બ્લૂમ આઉલ કેપિટલને 'ફોર્સ મેજ્યોર' નોટિસ મોકલી છે, જેથી ૨૦૨૮ સુધીમાં પાવર ન મળે તો ભાડામાં ત્રણ વર્ષ સુધીનો વિલંબ કરવાનો અધિકાર સુરક્ષિત રાખી શકાય.
આ તમામ જટિલતાઓને કારણે અંદાજે ૧૮ અબજ ડોલરનું કન્સ્ટ્રક્શન લોન પ્રેશર વધી ગયું છે અને ચાલુ વર્ષે ઓરેકલના શેરના ભાવમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. કરાર મુજબ પાવર સુરક્ષિત કરવાની જવાબદારી ઓરેકલની છે અને કંપનીએ ડેટા સેન્ટરના વિસ્તરણ માટે આશરે ૧૨૫ અબજ ડોલરનું દેવું પણ કર્યું છે, જેના કારણે રોકાણકારોનું જોખમ વધી ગયું છે. બીજી તરફ, ઓરેકલ ન્યૂ મેક્સિકોમાં આ પ્રોજેક્ટ દ્વારા ૧૩ અબજ ડોલરથી વધુનું આર્થિક યોગદાન અને ૩,૧၀၀ થી વધુ નોકરીઓનું સર્જન થવાનો દાવો કરી રહી છે. હવે આગામી રોકાણકાર દિવસ (Investor Day) પર તમામની નજર છે, જ્યાં કંપની પોતાના ડેટા સેન્ટર ખર્ચ અને નાણાકીય લક્ષ્યાંકો અંગે સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા છે.
