ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય પૂર્ણ થયા બાદ હવે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસું પૂરું થતાંની સાથે જ રાજ્યભરમાં ધીમે ધીમે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે સૂર્યનારાયણના આકરા તાપથી નાગરિકો ત્રસ્ત બન્યા છે. બીજી તરફ મોડી રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં હળવી ઠંડક પ્રસરી જાય છે. આમ, હાલમાં રાજ્યભરમાં એક તરફ દિવસ દરમિયાન આકરી ગરમી અને બીજી તરફ રાત્રિ તેમજ વહેલી સવારે ઠંડક એમ મિશ્ર એટલે કે બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે, જેના લીધે મોસમી બીમારીઓનું પ્રમાણ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં નોંધાયેલા તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું હતું. રાજકોટમાં મહત્તમ પારો ૩૮.૧ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ગરમીનો પારો ૩૭.૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ઉત્તર ગુજરાતના ડીસા તેમજ સંસ્કારી નગરી વડોદરામાં પણ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આ સાથે જ પાટનગર ગાંધીનગર, સુરત, કંડલા અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીથી વધુ રહેતાં લોકો અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છે. વરસાદ થવાની સંભાવના નહિવત્ બનતાં દિવસ દરમિયાન ગરમીનું જોર વધ્યું છે.
હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, આગામી ૧૦ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. આ સમગ્ર સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું અને શુષ્ક રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આગામી શનિવાર સુધી મહત્તમ કે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલ સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી અને હરનાઈ પરથી પસાર થઈ રહી છે. આગામી બે થી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને કર્ણાટકના વિસ્તારોમાંથી પણ ચોમાસાની સંપૂર્ણ વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.
