દિવાળીના તહેવારોમાં વિદેશ પ્રવાસની મજા માણવા માટે ઉત્સુક બનેલા સુરતના અનેક પરિવારો ઉપર આરટીઓ તંત્રના અણઘડ વહીવટે પાણી ફેરવી દીધું છે. સામાન્ય નિયમો અનુસાર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ (IDP) એક જ દિવસમાં મળી જવું જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા નાગરિકોએ ૧૫-૧૫ દિવસ સુધી લાંબી રાહ જોવી પડી રહી છે. આગામી ૧૨મી નવેમ્બર સુધીની એપોઇન્ટમેન્ટ ફુલ થઈ ગઈ છે, જ્યારે દિવાળીનું વેકેશન ૮મી નવેમ્બરથી જ શરૂ થઈ રહ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે વિદેશની ધરતી પર વાહન ચલાવવાના અરમાનો લઈને બેઠેલા પ્રવાસીઓએ હવે લાયસન્સ વગર જ પ્રવાસે જવાની અસહ્ય નોબતનો સામનો કરવો પડી રહ્યો છે.
દિવાળીની સીઝનમાં વિદેશ પ્રવાસો વધવાની વાસ્તવિકતાથી ભલીભાંતિ વાકેફ હોવા છતાં સુરત આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા કોઈ આગોતરા આયોજનના અભાવે તઘલખી નીતિ અપનાવવામાં આવી છે. એપોઇન્ટમેન્ટના દિવસે જ આઈડીપી આપવામાં આવશે તેવો આગ્રહ રાખીને બાબુઓ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. કચેરીની આ લાલફીતાશાહી અને મનમાનીના કારણે જે નાગરિકોએ અગાઉથી જ વિદેશની ફ્લાઇટની ટિકિટો અને હોટલના બુકિંગ કરાવી લીધા છે, તેઓ આજે સત્તાવાળાઓની લાપરવાહીનો ભોગ બનીને માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે.
આરટીઓનો આ અંધેર કારભાર માત્ર ઇન્ટરનેશનલ લાયસન્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રોજિંદા જીવન સાથે જોડાયેલા લાયસન્સ રિન્યુઅલ અને ડુપ્લિકેટ લાયસન્સના કામોમાં પણ અરજદારોને ૧૫ દિવસ પછીની તારીખો ફાળવવામાં આવી રહી છે. નાગરિકો જ્યારે તહેવારોની ખુશીઓ મનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે આરટીઓ કચેરી તેમને સુવિધા પૂરી પાડવાને બદલે માત્ર મુશ્કેલીઓ અને દુવિધા જ આપતી નજરે ચડે છે. વાહનચાલકો અને અરજદારો રોજીંદા કામકાજ માટે કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે, જે તંત્રની કાર્યક્ષમતા સામે મોટા સવાલો ખડા કરે છે.
