વિશ્વના અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઈનાન્સ (Binance) પર એક વિશાળ સાયબર હુમલો થતાં ક્રિપ્ટો જગતમાં ખળભળાટ મચી ગયો છે. કંપની દ્વારા મળતી માહિતી મુજબ, આ હેકિંગની ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ ૩ અબજ ડોલરના ફંડને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેથી મોટાપાયે થતી ચોરીને અટકાવી શકાય. જોકે, શરૂઆતમાં કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા હતા જેમાં એક તરફ યુઝર્સના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ તમામ નુકસાન ભરપાઈ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. બ્લોકચેઈન એનાલિટિક્સ કંપની 'ચેઈનાલિસિસ' (Chainalysis) ના અહેવાલ મુજબ, આ ચોરીનું કદ અંદાજે ૫.૯૧ અબજ ડોલર હોવાનો અંદાજ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં બાયબિટ પ્લેટફોર્મ પર થયેલી ૧.૫ અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી મોટી સાયબર ચોરી કરતા લગભગ ચાર ગણું વધારે છે.
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બાઈનાન્સે શુક્રવારે વહેલી સવારે સુરક્ષા તપાસ હાથ ધરવા, નાણાં ફ્રીઝ કરવા અને કાયદાકીય એજન્સીઓ સાથે મળીને કામ કરવા માટે તમામ પ્રકારની ડિપોઝિટ અને વિડ્રોઅલ સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, કાયદાકીય ઓથોરિટીઝ, ઇશ્યુઅર્સ અને બ્લોકચેઈન ઇન્ટેલિજન્સ ફર્મ્સના સહયોગથી વધુ એસેટ્સને ટ્રેસ અને ફ્રીઝ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાથી ચોરી થયેલી રકમનો આંકડો હજુ વધી શકે છે. જોકે, આ સાયબર હુમલો કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કંપની કે ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. બાઈનાન્સના ભૂતપૂર્વ વડા અને મુખ્ય શેરધારક ચાંગપેંગ ઝાઓએ આ ઘટનાને હેક ગણાવતા કુલ નુકસાન એક અબજ ડોલરથી થોડું વધારે હોવાનું અનુમાન લગાવ્યું છે. આ હુમલાની ગંભીરતાને જોઈને ટેથર (Tether) ના સીઈઓ પાઓલો આર્ડોિનોએ સંભવિત હેક સાથે જોડાયેલા આશરે ૧.૬ અબજ ડોલર અને સર્કલ (Circle) ના બોસ જેરેમી આલેરે ૮૦૦ મિલિયન ડોલરથી વધુના યુએસડીસી (USDC) ફંડને તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરી દીધા છે.
બાઈનાન્સ પર થયેલા આ આઘાતજનક હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વૈશ્વિક ક્રિપ્ટો બજારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને મોટાભાગની ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બિટકોઈનમાં લગભગ પાંચ ટકા, ઇથેરિયમમાં છ ટકા અને બાઈનાન્સના પોતાના નેટિવ ટોકન બીએનબી (BNB) માં દસ ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સ્ટેબલકોઈન્સ તેના નિશ્ચિત માર્જિન પર સ્થિર રહ્યા હતા. આ સાયબર હુમલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી જતી ક્ષમતાઓ અને તેના દ્વારા ક્રિપ્ટોગ્રાફી તેમજ આઈટી સુરક્ષા પ્રોટોકોલ્સ સામે ઊભા થયેલા જોખમો અંગે સમગ્ર ટેકનોલોજી જગતમાં ચિંતાની નવી લહેર પેદા કરી દીધી છે.
