અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા અંતર્ગત આવતા દેવધોલેરા ગામે કન્સવિલા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા સ્થાનિક રહેવાસીઓમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે અને બેફામ રીતે હંકારી રહેલા એક ડમ્પરચાલકે સામેથી આવી રહેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં દેવધોલેરા ગામના પ્રવીણભાઈ જીવણભાઈ મકવાણા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. યુવકના અચાનક અવસાનથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર ગામ શોકાતુર બન્યું છે.
અકસ્માત બાદ બેફામ વાહનચાલકો સામે સ્થાનિક લોકો અને રાહદારીઓનો વર્ષોથી દબાયેલો રોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉતરીને અંદાજે આઠથી દસ ડમ્પરને રોકીને ભારે તોડફોડ મચાવી હતી અને પરિસ્થિતિ વધુ હિંસક બનતા રોડ પર જ ત્રણ જેટલા ડમ્પરોને સળગાવી દેવામાં આવ્યા હતા. ડમ્પરોમાંથી ઊંચી-ઊંચી આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જતા કેરાળા-નળસરોવર રોડ પર ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસા અને વાહનોમાં આગચપીના કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના કારણે નોકરીયાતો અને અન્ય મુસાફરો કલાકો સુધી ભારે ટ્રાફિકમાં ફસાયા હતા.
ઘટનાની ગંભીરતાને પારખીને તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું અને ધોળકાના ડીવાયએસપી સહિતનો વિશાળ પોલીસ કાફલો તથા ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ખાનગી ફાયર ફાઈટરોની મદદથી સળગતા વાહનો પરની આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કવાયત હાથ ધરી હતી. બીજી તરફ, આ વિસ્તારમાં બેફામ દોડતા અનિયમિત ડમ્પરોના ત્રાસ સામે કડક પગલાં લેવા માટે ખાણ ખનીજ વિભાગની વિશેષ ટીમ પણ સ્થળે રવાના થઈ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
