ફિલિપાઈન્સના સેબુ ખાતે યોજાયેલી ૧૩મી આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટીંગ (ADMM-Plus) ને સંબોધિત કરતા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતની આંતકવાદ વિરોધી રણનીતિ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ દાયકાઓથી જમીની સ્તરે સીધા સંઘર્ષ દ્વારા પ્રાપ્ત કરેલો કઠિન અનુભવ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની દરેક સુરક્ષા રણનીતિ વાસ્તવિક ઓપરેશન્સની એરણ પર ખરી ઉતરેલી છે. આસિયાન દેશો સાથે આ વ્યવહારુ કુશળતા વહેંચવા માટે ભારત સંયુક્ત સૈન્ય અભ્યાસો, ક્ષમતા નિર્માણ કાર્યક્રમો અને ગુપ્તચર માહિતીના આદાનપ્રદાન માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેથી સામૂહિક પ્રાદેશિક સુરક્ષાને વધુ મજબૂત કરી શકાય.
વૈશ્વિક દરિયાઈ વેપાર અને દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત એક વિશ્વસનીય નેટ સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે ભૂમિકા ભજવતું રહેશે. ભારતીય નૌકાદળે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો દ્વારા હજારો વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડી છે અને ચાંચિયાગીરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. વર્ષ ૨૦૦૮થી ગલ્ફ ઓફ એડન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય નાવિકદળ સતત સક્રિય રહ્યું છે. આ ઉપરાંત, ભારત ૨૦૨૬ના વર્ષને 'આસિયાન-ઇન્ડિયા યર ઓફ મેરીટાઇમ કોઓપરેશન' તરીકે ઉજવવા જઈ રહ્યું છે, જે બંને પક્ષો વચ્ચેના દરિયાઈ સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધોને આગામી પેઢી સુધી લઈ જવા માટે સંરક્ષણ મંત્રીએ એક વિશિષ્ટ સંરક્ષણ ‘યુથ બ્રિજ’ (Youth Bridge) ની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલથી યુવાનો વચ્ચે સાંસ્થાનિક જોડાણ વધશે, ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન મળશે અને ક્ષમતા નિર્માણમાં મદદ મળશે. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આસિયાન ક્ષેત્રમાં મુક્ત, સમાવેશી, નિયમ આધારિત અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે કટિબદ્ધ છે, જે 'સર્વે ભવન્તુ સુખિનઃ' ની આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભાવનાને અનુરૂપ છે.
