દ્વારકા ડિવિઝન હેઠળ આવતા તમામ વિસ્તારોમાં આજે પીજીવીસીએલ કચેરી દ્વારા વીજબીલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જે ગ્રાહકોએ લાંબા સમયથી પોતાના વીજબીલની બાકી રકમ સમયમર્યાદામાં ચૂકવી નથી, તેવા તમામ ડીફોલ્ટર ગ્રાહકોના વીજ કનેક્શનો કાપી નાખવા માટે ખાસ મેગા ડીસકનેકશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી વીજચોરો અને બિલ ન ભરવાની આદત ધરાવતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
પીજીવીસીએલના નિયમો મુજબ આ ડ્રાઈવ દરમિયાન કોઈ પણ સંજોગોમાં સ્થળ ઉપર બાકી રકમ રોકડ કે અન્ય પ્રકારે વસૂલવામાં આવશે નહીં. જો કોઈ ગ્રાહકનું કનેક્શન કપાઈ જાય તો તેણે સબ ડિવિઝન ઓફિસ પર જઈને પોતાના વીજબીલની બાકી રહેતી ૧૦૦ ટકા રકમ પૂરેપૂરી ભરપાઈ કરવી પડશે. આ ઉપરાંત નિયમ અનુસાર રીકનેકશન ચાર્જ પણ અલગથી ભરવો પડશે, ત્યારબાદ જ તેમનું વીજ જોડાણ ફરીથી ચાલુ કરવામાં આવશે.
તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે પોતાનું બાકી રહેલું વીજબીલ સમયસર ઓનલાઈન અથવા તો કચેરીએ રૂબરૂ જઈને ભરી દે. આ કડક પગલાથી વીજ કંપનીની રેવન્યુ વસૂલાતમાં સુધારો થશે અને સમયસર બિલ ભરવાની ટેવ લોકોમાં કેળવાશે. વીજ કંપનીની આ અચાનક આવેલી કડકાઈથી સમયસર બિલ ન ભરનારાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
