JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

વર્ષ 1929ની મહામંદીએ કેવી રીતે બદલ્યું દુનિયાનું ચિત્ર, હિટલરથી લઈને ભારતીય ખેડૂતો પર પડી હતી મોટી અસર

Oct 29, 2026 | 17:10 | By JAMNAGAR MIRROR
વર્ષ 1929ની મહામંદીએ કેવી રીતે બદલ્યું દુનિયાનું ચિત્ર, હિટલરથી લઈને ભારતીય ખેડૂતો પર પડી હતી મોટી અસર
અમેરિકાના શેરબજારમાં ઓક્ટોબર 1929માં આવેલા કડાકાએ આખી દુનિયામાં મહામંદી લાવી દીધી હતી. આ આર્થિક સંકટે જર્મનીમાં હિટલરના ઉદય માટેનો રસ્તો સાફ કર્યો, તો ગુલામ ભારતમાં ખેડૂતોને પાયમાલ કરીને આઝાદીની લડાઈને વધુ તેજ બનાવી દીધી હતી.

અમેરિકાના વોલ સ્ટ્રીટ પર ઓક્ટોબર 1929માં અબજો ડોલરનું ધોવાણ થતાં જે આર્થિક ભૂકંપ આવ્યો તેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. 28 ઓક્ટોબરે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં લગભગ 13 ટકા અને બીજા દિવસે વધુ 12 ટકાનો કડાકો બોલી ગયો, જેને બ્લેક મંડે અને બ્લેક ટ્યુસ્ડે તરીકે યાદ કરવામાં આવે છે. આ મહામંદી માત્ર અમેરિકા પૂરતી સીમિત ન રહી પરંતુ બેંકોની નિષ્ફળતા, આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો અને લોનની લેવડ-દેવડ બંધ થવાને કારણે વૈશ્વિક આપત્તિ બની ગઈ. આ મંદીએ 20મી સદીના ઇતિહાસની ધારા જ બદલી નાખી અને દુનિયાભરના દેશોની આર્થિક નબળાઈઓને ખુલ્લી પાડી દીધી.

આ વૈશ્વિક સંકટની સૌથી ખરાબ અસર જર્મની અને ભારત પર પડી. જર્મનીમાં પહેલાથી જ આર્થિક સ્થિતિ ખરાબ હતી અને અમેરિકા તરફથી મળતી લોન બંધ થતાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગઈ. વર્ષ 1932 સુધીમાં જર્મનીમાં લગભગ 56 લાખ લોકો બેરોજગાર થઈ ગયા અને ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 40 ટકા પર આવી ગયું. આ આર્થિક લાચારીનો ફાયદો ઉઠાવીને એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટીએ સત્તા મેળવી લીધી, અને જાન્યુઆરી 1933માં હિટલર જર્મનીના ચાન્સેલર બન્યા. બીજી તરફ બ્રિટિશ હાસ હેઠળના ભારતમાં પાકના ભાવ તળિયે જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા. ઇતિહાસકાર આલોક ઓકટના રિપોર્ટ મુજબ ભારતનો કૃષિ ભાવ ઇન્ડેક્સ વર્ષ 1929ના 203થી ગગડીને વર્ષ 1931માં 127 પર પહોંચી ગયો હતો. રોકડા પાક પર નભતા ખેડૂતો દેવામાં ડૂબી ગયા અને આ જ આર્થિક સંકટે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સવિનય કાનૂન ભંગની ચળવળ અને આઝાદીની લડાઈને વધુ મજબૂત બનાવી.

આ મહામંદીની માર બ્રિટન પર પણ ભારે પડી જ્યાં કોલસા, જહાજ અને કાપડ ઉદ્યોગ ભાંગી પડ્યા અને વર્ષ 1932 સુધીમાં બેરોજગારોની સંખ્યા વધીને લગભગ 35 લાખ સુધી પહોંચી ગઈ. પરિસ્થિતિ એટલી વણસી કે બ્રિટનને ગોલ્ડ સ્ટાન્ડર્ડ છોડવાની ફરજ પડી અને લેબર સરકાર પણ તૂટી ગઈ. વોલ સ્ટ્રીટથી શરૂ થયેલી આ મંદીએ સાબિત કરી દીધું કે કોઈ એક દેશનું આર્થિક સંકટ આખી દુનિયાને કેવી રીતે બરબાદ કરી શકે છે. આ ઇતિહાસ આપણને એ ચેતવણી પણ આપે છે કે જ્યારે લોકોની રોજીરોટી છીનવાય અને સરકારો નિષ્ફળ જાય ત્યારે જનતાનો ગુસ્સો ચરમપંથી તાકાતોને આગળ લાવવા માટે મોટો રસ્તો બનાવી આપે છે.

LATEST ARTICLES