JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝાના નિયમો બદલવાની તૈયારી શરૂ કરી, ભારતીય પ્રોફેશનલ્સની ચિંતા વધી

Oct 29, 2026 | 17:10 | By JAMNAGAR MIRROR
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝાના નિયમો બદલવાની તૈયારી શરૂ કરી, ભારતીય પ્રોફેશનલ્સની ચિંતા વધી
અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં ઉભેલા ભારતીય H-1B વિઝા ધારકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસને જૂની મંજૂરીઓ માન્ય રાખવાની પ્રથા નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી દરેક રિન્યુઅલ વખતે ફરીથી યોગ્યતા સાબિત કરવી પડશે.

અમેરિકામાં નોકરી કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા એ માત્ર એક કાગળ નથી, પણ કાયદેસર રહેવા અને ગ્રીન કાર્ડ મેળવવાનો એકમાત્ર મોટો સેતુ છે. હાલમાં અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે આ પ્રક્રિયાને વધુ અનિશ્ચિત બનાવી શકે છે. અત્યાર સુધીના નિયમ મુજબ, જો કોઈ વર્કર કે એમ્પ્લોયર માટે અગાઉ વિઝા મંજૂર થયા હોય, તો યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેઝ (USCIS) સામાન્ય રીતે તે જૂના નિર્ણયને માન્ય રાખીને જ એક્સટેન્શન આપી દેતી હતી જેને 'ડિફરન્સ ટૂ પ્રાયર અપ્રૂવલ્સ' કહેવાતું હતું. પરંતુ 14 ઓક્ટોબરે રજૂ થયેલા નવા પ્રસ્તાવ મુજબ આ નિયમ હટાવવાની વાત છે, જેનાથી ઇમિગ્રેશન ઓફિસર્સ દરેક એક્સટેન્શન અરજીની વધુ ઝીણવટભરી તપાસ કરી શકશે.

આ ફેરફારથી ખાસ કરીને એવા લાખો ભારતીયો પર અસર પડશે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે અને વારંવાર વિઝા રિન્યુ કરાવે છે. યુએસસીઆઈએસના ડેટા પ્રમાણે, નાણાકીય વર્ષ 2025માં કુલ H-1B વિઝા ધારકોમાં અંદાજે 70 ટકા ભારતીયો સામેલ હતા. ઇમિગ્રેશન એક્સપર્ટ્સના મતે, આ નિયમ લાગુ થવાથી વિઝા રિન્યુઅલ હવે કોઈ સામાન્ય પ્રક્રિયા નહીં રહે, પરંતુ દરેક વખતે સ્પેશિયાલટી ઓક્યુપેશન, વેજ લેવલ અને એમ્પ્લોયરના સંબંધોની નવી માથાકૂટ ઊભી થશે. આશરે 1 મિલિયન એટલે કે 10 લાખ જેટલા ભારતીયો અમેરિકામાં ગ્રીન કાર્ડના બેકલોગમાં ફસાયેલા છે અને નવા પ્રસ્તાવથી તેમની આ લાંબી રાહ વધુ કઠીન બની શકે છે.

ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે જૂની મંજૂરીઓને આંધળી રીતે માન્ય રાખવાથી ખોટા કે નબળા કેસો પકડાતા નથી, તેથી અધિકારીઓ દરેક કેસની નવેસરથી કાળજીપૂર્વક ચકાસણી કરી શકે તે જરૂરી છે. જો કે, આના કારણે એમ્પ્લોયર્સે વધુ ડોક્યુમેન્ટેશન આપવું પડશે અને લીગલ ખર્ચ પણ વધશે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે અતિરિક્ત દસ્તાવેજો માંગવાથી વિલંબ થશે અને 240 દિવસની વર્ક ઓથોરાઈઝેશન વિન્ડો પૂરી થતાં લોકોને નોકરી છોડવાની નોબત પણ આવી શકે છે. હાલમાં આ પ્રસ્તાવ પર 13 નવેમ્બર, 2026 સુધી પબ્લિક કોમેન્ટ્સ મંગાવવામાં આવી છે અને જ્યાં સુધી નવો નિયમ ફાઈનલ નહીં થાય ત્યાં સુધી જૂના નિયમો જ અમલમાં રહેશે.

LATEST ARTICLES