બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની આગામી ફિલ્મ સનકીને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રુસ્તમ અને મિશન રાણીગંજ જેવી શાનદાર ફિલ્મોનું ડિરેક્શન કરી ચૂકેલા ટીનુ સુરેશ દેસાઈ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. જ્ઞાનન્દ્ર વાસુદેવ દ્વારા લખાયેલી આ ફિલ્મની મૂળ વાર્તા એક દમદાર પ્રેમકથા પર આધારિત છે, જેમાં લાગણીઓ સાથે ભરપૂર એક્શન અને રોમાંચનો તડકો જોવા મળશે. હાલમાં ફિલ્મના વિષય અને અન્ય કલાકારો વિશેની વિગતો મેકર્સે ગુપ્ત રાખી છે, જે સમયની સાથે જાહેર કરવામાં આવશે.
ફિલ્મના શૂટિંગ માટે દિગ્દર્શક ટીનુ સુરેશ દેસાઈ પોતાની વિશાળ ટીમ સાથે ભોપાલ પહોંચી ગયા છે અને આગામી 30 ઓક્ટોબરથી શરૂ થનારા શૂટિંગ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બોર્ડર 2 ની સફળતા અને તેમાં પોતાના શાનદાર અભિનય બાદ અહાન શેટ્ટી પોતાના પ્રોજેક્ટ્સ બાબતે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યો છે. સનકી બાદ તે વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ 1920 કોલ્ડ વિન્ટર માં પણ નજર આવશે. આ ફિલ્મનું નિર્માણ We The People, Roaring River Productions અને Pals & Peers Entertainment દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
આ મોટા પ્રોજેક્ટને લઈને મેકર્સે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સનકી ફિલ્મને 2027ના વર્ષના પ્રથમ છ મહિનામાં જ સિનેમાઘરોમાં દર્શકો સમક્ષ રજૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાંની સાથે જ તેના એક્શન સિક્વન્સ અને અન્ય મહત્વના દૃશ્યોનું ફિલ્માંકન શરૂ થઈ જશે. અહાન શેટ્ટીના ચાહકો માટે આ ફિલ્મ એક મોટું મનોરંજન સાબિત થશે તેવી પૂરી આશા છે અને આગામી દિવસોમાં ફિલ્મ સાથે જોડાયેલી નવી અપડેટ્સ બહાર આવશે.
