આવતીકાલે બનાસકાંઠાના ભીલડી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આ ખાસ પ્રવાસ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને વ્યવસ્થા સુધીની તમામ તૈયારીઓ પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલનો આખો દિવસ ગુજરાત અને દેશ માટે એકસાથે અનેક મોટા ઉત્સવો લઈને આવી રહ્યો છે, જેના કારણે ગામેગામ ઉત્સાહનો માહોલ છવાયો છે.
આવતીકાલે 31 ઓક્ટોબરે યોજાનાર આ મહાઅવસરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરવામાં આવશે, જેને કારણે આ દિવસને 'પીએમ કિસાન ઉત્સવ' તરીકે ઉજવવામાં આવશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારના સમયે બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા પંચાયત બેઠક પરથી 'રન ફોર યુનિટી' (એકતા માટે દોડ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાવાના છે.
સવારની આ દૌડ ઉપરાંત સાંજના સમયે જિલ્લાના ગામેગામ 'એકતા રેલી'નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે દેશભક્તિમય બની રહેશે. વડાપ્રધાનના આ કાર્યક્રમની સફળતા અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સુચારૂ રૂપે પાર પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા અત્યંત ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને આ દિવસ ઐતિહાસિક બની રહે.
