બ્રાઝિલના સેનેટર ફ્લેવિયો બોલસોનારોની બ્રાઝિલથી અમેરિકા સુધીની સફર કોઈ ફિલ્મી થ્રિલર મૂવીથી કમ નહોતી રહી, જેમાં દેખાડા માટેની ગાડીઓ, સરહદ પારની ગુપ્ત મુસાફરી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગીઓની મદદ લેવામાં આવી હતી. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગની તપાસના ભાગરૂપે બોલસોનારોને 24 કલાકમાં પોતાના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો અને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ આદેશોથી બચવા માટે બોલસોનારો અને તેમનો પરિવાર બુધવારે સવારે મિયામી પહોંચી ગયો હતો, જેને લઈને સમગ્ર રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. ફ્લેવિયો બોલસોનારોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લુઈઝ ઇનાસિયો લુલા ડા સિલ્વા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી તેમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો હતો અને ધરપકડનો ડર સતાવી રહ્યો હતો.
આ ગુપ્ત ઓપરેશનના પ્લાનિંગ મુજબ સોમવારે સાંજે બ્રાઝિલિયા સ્થિત ઘરથી ચાર ગાડીઓનો એક કાફલો અલગ-અલગ દિશામાં રવાના થયો હતો જેથી મીડિયા અને તપાસ એજન્સીઓને ગૂમરાહ કરી શકાય કે અસલી ગાડીમાં કોણ બેઠું છે. આ ચાર ગાડીઓ અને ડિકોય ટ્રિકનો ઉપયોગ કરીને બોલસોનારોનો પરિવાર સડક માર્ગે અર્જેન્ટીના તરફ આગળ વધ્યો હતો અને મંગળવારે રાત્રે આંતરરાષ્ટ્રીય બ્રિજ પાર કરીને પ્યુર્ટો ઇગુઆઝૂ પહોંચ્યો હતો. ત્યાં એરપોર્ટ પર અર્જેન્ટીનાના વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રમ્પના સલાજકારોની દેખરેખ હેઠળ એક પ્રાઇવેટ ગલ્ફસ્ટ્રીમ જેટ તૈયાર રાખવામાં આવ્યું હતું. આ જેટ ઇક્વાડોરના ગ્વાયાકિલ ખાતે ઇંધણ ભરીને બુધવારે સવારે મિયામી-ઓપા લોક્કા એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર ઉતર્યું હતું, જ્યાં બોલસોનારોએ ઇટાલિયન પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો અને સુરક્ષા અધિકારીઓ તેમને છત્રછાયા હેઠળ બહાર લઈ ગયા હતા.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્તિગત રીતે આ પરિવારની એન્ટ્રીને મંજૂરી આપી હતી અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ વિઝા જારી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી, જેના કારણે આ પરિવારને 1 વર્ષ માટે હ્યુમેનિટેરિયન પેરોલ પર પ્રવેશ મળ્યો છે. મિયામી પહોંચ્યા બાદ બોલસોનારોએ પોતાને બ્રાઝિલના નેતા ગણાવ્યા હતા અને ટ્રમ્પ તેમજ અર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલીનો આભાર માન્યો હતો, જ્યારે ટ્રમ્પે આ સમગ્ર મામલાને અત્યંત અન્ફેયર ગણાવ્યો હતો. હવે બોલસોનારો અમેરિકામાં રહીને જ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખવાનું આયોજન કરી રહ્યા છે, જોકે આનાથી બ્રાઝિલ અને અમેરિકાના રાજકારણમાં આગામી દિવસોમાં કેવા સમીકરણો બને છે તે જોવું રસપ્રદ રહેશે.
