દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે TMC સાંસદ મહુઆ મોઇત્ર્રા દ્વારા દાખલ કરવામાં આવેલી એક મહત્વની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs) અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)માં રોકાણ પાછળના અલ્ટીમેટ બેનિફિશિયલ ઓનર્સ એટલે કે અંતિમ માલિકોની વિગતો જાહેરમાં જાહેર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBIને આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ બી.વી. નાગરત્ના, જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયની બેન્ચે સુનાવણી કરતા જણાવ્યું હતું કે વર્તમાન કાયદાકીય કે રેગ્યુલેટરી માળખાના અભાવે અદાલત આ પ્રકારના નિર્દેશો જારી કરી શકે નહીં.
કોર્ટમાં અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ભારતીય સ્ટોક માર્કેટમાં અંદાજે 14 કરોડ જેટલા છૂટક રોકાણકારો (રિટેલ ઇન્વેસ્ટર્સ)નું હિત જોડાયેલું છે, તેથી જટિલ વિદેશી માળખા દ્વારા થતા રોકાણ પાછળના અસલી માલિકો કોણ છે તે જાણવાનો જનતાને અધિકાર છે. આ પારદર્શિતાના અભાવે માર્કેટ મેનિપ્યુલેશનનું જોખમ રહે છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર અને SEBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. કોર્ટે પણ સ્પષ્ટતા કરી હતી કે SEBI પાસે તપાસ માટે માહિતી ઉપલબ્ધ હોય છે, પરંતુ તેને જાહેરમાં જાહેર કરવાનો કોઈ કાયદો હાલ અસ્તિત્વમાં નથી.
સુનાવણી દરમિયાન બેન્ચે એ વાત પર ભાર મૂક્યો હતો કે આ પ્રકારની નીતિ ઘડવાનું કામ સંસદ કે રેગ્યુલેટરનું છે, અને બંધારણના આર્ટિકલ 32 હેઠળ ન્યાયતંત્ર જાતે કોઈ નવી રેગ્યુલેટરી નીતિ બનાવી શકે નહીં. કોર્ટે એમ પણ અવલોકન કર્યું કે કાયદાકીય ટેકા વગર ફુલ પબ્લિક ડિસ્ક્લોઝરનો આદેશ આપવો એ અદાલત માટે ખૂબ મોટું કામ સાબિત થશે. આ સાથે જ કોર્ટે સાંસદ મહુઆ મોઇત્ર્રાની લોકસ સ્ટેન્ડી (અરજી કરવાનો અધિકાર) અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આખરે કોર્ટે અરજીના ગુણદોષમાં ઉતર્યા વગર સ્પષ્ટ કર્યું કે કાયદાકીય માળખાના અભાવે આ અરજી સ્વીકારી શકાય નહીં, અને અંતે અરજી ફગાવી દેવામાં આવી છે.
