અમેરિકામાં આગામી ઇલેક્શન પહેલા રાજકારણ ગરમાયું છે અને દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. જ્યોર્જિયામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર આકરા પ્રહારો કર્યા હતા. ઓબામાએ સીધો આક્ષેપ કર્યો હતો કે વ્હાઇટ હાઉસ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સામે ઘૂંટણ ટેકવી રહ્યું છે અને પોતાની સ્વતંત્રતા તેમજ ડેમેક્રસી માટે લડી રહેલા યુક્રેઈનના નાગરિકો સાથે દગો કરી રહ્યું છે.
આ ભાષણ દરમિયાન ઓબામાએ માત્ર વિદેશી સંઘર્ષો જ નહીં, પરંતુ ટેરિફ અને દેશની ઇકોનોમી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પણ ખુલીને ચર્ચા કરી હતી. તેમણે અમેરિકન જનતાને અપીલ કરી હતી કે દેશની લોકશાહી અને વિદેશી નીતિઓને બચાવવા માટે સાચા નિર્ણયો લેવા જરૂરી છે. ટ્રમ્પ સરકારની વિદેશી નીતિને લઈને ઓબામાના આ નિવેદને અમેરિકન પોલિટિક્સમાં ભારે હલચલ મચાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર પણ આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આગામી ઇલેક્શનના માહોલ વચ્ચે ઓબામાના આ ગંભીર આરોપોથી અમેરિકન રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું છે. વિશ્લેષકોના મતે, આ પ્રકારના નિવેદનો ઇલેક્શનના પરિણામો પર મોટી અસર પાડી શકે છે, કારણ કે વિદેશ નીતિ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દાઓ પર મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ઘટનાક્રમથી આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ આક્રમક બને તેવી પૂરી શક્યતા છે.
