સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થયેલી એક ચોંકાવનારી ઘટનામાં ગુરુગ્રામ પોલીસે એક મહિલા સોફ્ટવેર એન્જિનિયર સાથે ગેરવર્તણૂક અને ધમકી આપવાના કેસમાં ઉબર ડ્રાઇવરની ધરપકડ કરી છે. દિલ્હી એરપોર્ટથી કેબમાં બેઠેલી મહિલાએ એપમાં દેખાડાતું ભાડું ચૂકવવાની વાત કરી ત્યારે ડ્રાઇવરે તેની પાસે વધુ પૈસા માંગ્યા હતા. મહિલાએ વધારાના પૈસા આપવાની ના પાડતા ડ્રાઇવરે તેને ગાડીમાં કેદ કરી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની આપવીતી શેર કરી હતી.
પોલીસે X પર વાયરલ થયેલી આ પોસ્ટની ગંભીર નોંધ લઈને તાત્કાલિક એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ ટીમની મદદથી આરોપીની ઓળખ કરીને પાલમ વિહાર પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચ સેક્ટર 39 ની ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ નૂહ જિલ્લાના ઘસેરા ગામના રહેવાસી 26 વર્ષીય યાસિર તરીકે થઈ છે. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ ડ્રાઇવરે ઉબર એપ પર જામિલ જાહિદ ખાનના નામે ખોટું એકાઉન્ટ બનાવ્યું હતું. સવારે આશરે 4:45 વાગ્યે બનેલી આ ઘટનામાં એપ પર ભાડું આશરે 625 રૂપિયા બતાવતું હતું, પરંતુ રાઇડ પૂરી થયા પછી ડ્રાઇવરે અન્ય એક એપનો 1479 રૂપિયાનો સ્ક્રીનશોટ બતાવીને તેટલી રકમની માંગણી કરી હતી.
મહિલાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેનો સામાન ગાડીમાંથી કાઢવા દીધો ન હતો, તેનો હાથ પકડીને ગાળાગાળી કરી હતી અને તેનો પીછો કરીને તેના ઘર સુધી પહોંચીને ધમકીઓ આપી હતી. આ ગંભીર મામલે ઉબર કંપનીએ પણ નિવેદન જારી કરીને આ વર્તનને કમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને ડ્રાઇવરનું એપ એક્સેસ બ્લોક કરી દીધું છે. ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
