સોમાલિયામાં અલ-કાયદા સાથે જોડાયેલા કુખ્યાત આતંકી સંગઠન અલ-શબાબના લડાકુઓએ સુરક્ષાદળો પર ઘાત લગાવીને એક ભીષણ હુમલો કર્યો છે. દક્ષિણ સોમાલિયાના જામીકા ગામ પાસે સોમવારે થયેલા આ ઘાતક હુમલામાં ઓછામાં ઓછા 20 સૈનિકોના મોત થયા છે. આ હુમલાની જવાબદારી અલ-શબાબ જૂથે ખુદ સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકી જૂથ છેલ્લા લગભગ બે દાયકાથી સોમાલિયાની સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ ચલાવી રહ્યું છે અને અવારનવાર આવી હિંસા આચરે છે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉગ્રવાદિઓએ સૈન્યના કાફલાને નિશાન બનાવવા માટે વિસ્ફોટકોથી ભરેલા વાહનોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સૈન્યના કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. જોકે કેટલાક કલાકો સુધી ચાલેલી આ ભીષણ લડાઈમાં સૈનિકોએ વળતી કાર્યવાહી કરીને અંદાજે 75 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 56 આતંકીઓને ઈજાગ્રસ્ત કર્યા છે. સૈન્ય કાફલા સાથે જઈ રહેલા એક અધિકારી અબ્શીર અબ્દીકરીમે જણાવ્યું હતું કે હુમલા બાદ તેમણે પોતાના ઓછામાં ઓછા 20 સાથી સૈનિકોના મૃતદેહ નજરે જોયા હતા. સૈનિકો લીગોથી આગળ વધીને બુરહાકાબા જિલ્લાના જામીકા પહોંચ્યા હતા, જ્યાં તેમની આતંકવાદીઓ સાથે ભારે ગોળીબારની અથડામણ થઈ હતી. બીજી બાજુ, અલ-શબાબ સંગઠને દાવો કર્યો છે કે તેણે અથડામણમાં કુલ 321 સૈનિકોને મારી નાખ્યા છે, પરંતુ જાનહાનિની સંખ્યા અંગેના બંને પક્ષોના દાવાઓની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
આફ્રિકન યુનિયનના સૈન્યોએ વર્ષ 2011માં અલ-શબાબને મોગાદિશુથી હાંકી કાઢ્યા હતા, પરંતુ આ જૂથે ગરિલા યુદ્ધ, આત્મઘાતી હુમલાઓ અને લક્ષિત હત્યાઓ દ્વારા પોતાની આતંકી ગતિવિધિઓ ફરી શરૂ કરી દીધી છે. આ તાજા હુમલા બાદ સોમાલિયા સરકાર દ્વારા સૈન્ય વાહનોને નુકસાન પહોંચ્યાની વાત સ્વીકારવામાં આવી છે. અગાઉ હુમલામાં લાપતા થયેલા કેટલાક સૈનિકો હવે સુરક્ષિત રીતે બાલેડોગલે પહોંચી ગયા છે, જ્યારે અન્ય કેટલાક લાપતા સૈનિકોની ભાળ મેળવવા માટે સુરક્ષાદળો દ્વારા સઘન પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.
