ગુજરાતમાં પહેલીવાર ઓનલાઇન કેબ અને બાઇક એગ્રીગેટર સેવાઓ સામે અમદાવાદ RTO દ્વારા એકદમ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ રજીસ્ટ્રેશન કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે રસ્તા પર દોડતા વાહનો સામે લાલ આંખ કરીને તંત્રએ OLA, UBER અને રેપિડો સાથે જોડાયેલા કુલ 31 વાહનોને ડિટેઇન કરી લીધા છે. આ આખી કાર્યવાહી દરમિયાન નિયમોનો ભંગ કરવા બદલ કુલ ₹5 લાખથી પણ વધુનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે ઓનલાઇન કેબ અને બાઇક ચલાવતાચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ સરપ્રાઈઝ ચેકિંગ અને તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે સફેદ નંબર પ્લેટ ધરાવતા 10 ખાનગી ટુ-વ્હીલરનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ પેસેન્જર સેવા માટે કરવામાં આવી રહ્યો હતો, જે તમામ બાઇકચાલકોને ₹1.25 લાખનો દંડ કરાયો છે. આટલું જ નહીં, પરંતુ ગુજરાત બહારના એટલે કે અન્ય રાજ્યોમાં રજીસ્ટર્ડ થયેલી અંદાજે 21 ફોર-વ્હીલર કાર પણ કોઈપણ કાયદેસરની મંજૂરી વગર સીધી અમદાવાદના રસ્તાઓ પર પેસેન્જર બેસાડીને દોડતી ઝડપાઈ આવી હતી.
આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને RTO દ્વારા OLA, UBER અને રેપિડો ત્રણેય મોટી એગ્રીગેટર કંપનીઓને સત્તાવાર નોટિસ પાઠવી દેવામાં આવી છે અને તાત્કાલિક ખુલાસો માંગ્યો છે કે તેઓ કઈ કઈ સર્વિસ માટે સરકાર પાસેથી માન્યતા ધરાવે છે. જો કાયદેસરની પરમિટ અને કોમર્શિયલ રજીસ્ટ્રેશન વગર જ આ રીતે પેસેન્જર પરિવહન ચાલુ રાખવામાં આવશે, તો આગામી દિવસોમાં આ કંપનીઓ સામે વધુ કડક પગલાં લેવાની સ્પષ્ટ ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
